બનાસકાંઠા જિલ્લાના થરાદમાંથી ડીસાથી ચોરાયેલી એક મોટરસાઇકલ મળી આવી છે. LCBની ટીમે બાઈક સાથે કરશન પટેલ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

LCBની ટીમ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે થરાદ ટાઉનમાં એક શખ્સ મોટરસાઇકલ સાથે શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. પોલીસે તેની પાસે બાઈકના દસ્તાવેજો માંગ્યા હતા, પરંતુ તે દસ્તાવેજો રજૂ કરી શક્યો નહોતો.

એન્જિન નંબરથી બાઈકની ઓળખ થઈ

પોલીસે બાઈકના એન્જિન નંબરની પોકેટ કોપમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન બાઈક ચોરાયેલી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે બાઈક કબજે કરી કરશન પટેલને ઝડપી લીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કરશન પટેલ બુકણા, તાલુકો વાવનો રહેવાસી છે. તેની સામે અગાઉ થરાદ, પાલનપુર શહેર પશ્ચિમ અને વાવ પોલીસ સ્ટેશનમાં ચોરી અને પ્રોહિબિશન સહિત કુલ 9 ગુના નોંધાયેલા હોવાનું જણાવાયું છે.

આરોપીને વધુ કાર્યવાહી માટે થરાદ પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. બાઈક ડીસામાંથી ક્યારે અને કેવી રીતે ચોરાઈ હતી, તેમજ આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગેની તપાસ આગળ હાથ ધરાશે.