દમણ પોલીસે આંતરરાજ્ય ગાંજા નેટવર્ક સામે કાર્યવાહી કરતાં કુલ 12.607 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નેટવર્ક સાથે જોડાયેલા અન્ય કનેક્શન શોધવા માટે પોલીસે તપાસ આગળ ધપાવી છે.
મોટી દમણ કોસ્ટલ પોલીસને કાર મારફતે માદક પદાર્થની હેરફેર અંગે બાતમી મળી હતી. તેના આધારે 1 ઓક્ટોબરે મોટી દમણના પટલારા ગામે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ કારને અટકાવી તેની ડીકીની તપાસ કરતાં સફેદ રંગની કોથળી મળી આવી હતી.
FSLની મદદથી કરાયેલા પરીક્ષણમાં કોથળીમાંથી મળેલો પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે કારમાંથી 2.597 કિલોગ્રામ ગાંજો જપ્ત કરીને અંકિત રાજકુમાર ગુપ્તાની ધરપકડ કરી હતી.
તપાસની કડી વાપી સુધી પહોંચી
અંકિત ગુપ્તાની પૂછપરછ દરમિયાન પોલીસને વાપીમાં રહેતા સૌરભ રાય સિંહનું નામ મળ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તેને મુખ્ય સપ્લાયર તરીકે ઓળખવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે વાપી ખાતે તેના ઠેકાણે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન સૌરભ રાય સિંહ પાસેથી વધુ 10.010 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થો જપ્ત કરીને તેની પણ ધરપકડ કરી હતી. બંને સ્થળેથી મળેલા જથ્થાને ગણતાં કુલ જપ્તી 12.607 કિલોગ્રામ થાય છે.
અન્ય કનેક્શનની તપાસ શરૂ
દમણ પોલીસે બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસનો હેતુ આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને નેટવર્કમાં અન્ય કોણ સંકળાયેલું છે તેની માહિતી મેળવવાનો છે. પોલીસ હવે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા સંભવિત અન્ય લોકો અને કડીઓ અંગે તપાસ કરી રહી છે.
