સંઘ પ્રદેશ દમણના કચીગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 સપ્ટેમ્બરે બનેલી એક યુવકની હત્યાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને દમણ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ઉકેલ્યો છે. આ કેસમાં સુરતના વરાછા વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક અન્ય સાથીદાર હજુ ફરાર છે.

કચીગામ વિસ્તારમાં અજાણ્યા યુવક સાથે બોલાચાલી થયા બાદ ત્રણ શખ્સોએ તેના પર હુમલો કર્યો હોવાનો પોલીસનો દાવો છે. આ ઘટનાને પગલે કચીગામ પોલીસે 15 સપ્ટેમ્બરે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103 હેઠળ અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.

CCTV તપાસથી સુરત સુધી પહોંચ્યું પગેરું

તપાસ દરમિયાન દમણ પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજનું વિશ્લેષણ કર્યું હતું. ફૂટેજના આધારે ઘટનામાં ત્રણ શખ્સોની સંડોવણી હોવાનું સામે આવ્યું અને તેઓ સુરતના હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ દમણ પોલીસની ટીમે સુરત ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્ક્વોડે પણ આરોપીઓને શોધવા કામગીરી હાથ ધરી હતી.

પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ સુરતના વરાછા સ્થિત મોહનનગર વિસ્તારમાં ફૂટપાથ પર આશરો લઈ રહ્યા છે. કાર્યવાહી દરમિયાન શૈલેશ રાકેશ સોની અને સન્નીકુમાર રામસજીવન નિશાદને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને સુરતમાં છૂટક મજૂરી અને હીરા ઘસવાનું કામ કરતા હોવાનું જણાવાયું છે.

અમદાવાદ ભાગ્યા બાદ સુરત પરત ફર્યા

પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં બંનેએ જણાવ્યું કે તેઓ આનંદ પાંડે સાથે દમણ ગયા હતા. ત્યાં થયેલી તકરાર બાદ હુમલો કરીને તેઓ વાપી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં અમદાવાદ ગયા હતા. અમદાવાદમાં થોડા દિવસ રોકાયા બાદ તેઓ સુરત પરત આવ્યા હતા.

સુરત પોલીસે બંને આરોપીઓને દમણની કચીગામ પોલીસને સોંપ્યા છે. ફરાર આરોપી આનંદ પાંડેને ઝડપી લેવા તપાસ ચાલુ છે.