દાહોદ નજીક સતી તોરલ હોટલ પાસે હાઈવે પર ક્રૂઝર, ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. ઈકોમાં સવાર 15 વર્ષનો એક કિશોર ઈજાગ્રસ્ત થયો હતો. ટક્કર બાદ બાઈકમાં આગ લાગી હતી, જેને ફાયર બ્રિગેડની ટીમે કાબૂમાં લીધી હતી.

અકસ્મતમાં જીવ ગુમાવનારાઓમાં ક્રૂઝરના ચાલક પ્રકાશભાઈ સમસુભાઈ ભાભોર, ઈકોના ચાલક સાગર ચંદ્રસિંહ ડામોર અને બાઈકચાલક મિલન ભુરીયાનો સમાવેશ થાય છે. ત્રણેયનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

મૃતકોમાં ઈકો ચલાવતા આર્મી જવાનનો સમાવેશ

પાવડીના રહેવાસી પ્રકાશભાઈ સમસુભાઈ ભાભોરની ઉંમર 40 વર્ષ હતી. તેઓ ક્રૂઝર ચલાવી રહ્યા હતા. મુવાલિયાના રહેવાસી 28 વર્ષના સાગર ચંદ્રસિંહ ડામોર ઈકો કારના ચાલક હતા. અહેવાલ મુજબ, સાગર આર્મી જવાન હતા. બાઈક ચલાવતા મિલન ભુરીયા છાપરીના રહેવાસી હતા અને તેમની ઉંમર 20 વર્ષ હતી.

ઈકો કારમાં સવાર 15 વર્ષના કિશોરને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં તેમના પરિવારોમાં શોક છવાયો હતો.

આગ બુઝાવ્યા બાદ અકસ્માતના કારણની તપાસ

અકસ્મતની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ બાઈકમાં લાગેલી આગ બુઝાવી હતી. ઘાયલ કિશોરને હોસ્પિટલ ખસેડવાની સાથે મૃતકોનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ત્રણેય વાહનો વચ્ચે ટક્કર કેવી રીતે થઈ અને અકસ્માત પાછળનું કારણ શું હતું તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી.