સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સ્થિત શ્રી ચોટીલા ચામુંડા ધામ ખાતે કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી અને સંપૂર્ણ સ્વાસ્થ્યલાભ માટે મહાઆરતી તથા વિશિષ્ટ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેપ્ટન સ્મિત વહેલી તકે સ્વસ્થ થઈ ફરી દેશસેવામાં સક્રિય થાય તે માટે માઁ ચામુંડાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ જિલ્લા કલેકટર જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને ચોટીલા મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. પ્રસંગે પ્રાંત અધિકારી શૈલેષ કલસરીયા સહિત સંબંધિત અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફ્લાઇટમાં સાહસ માટે પ્રાર્થના
કેપ્ટન સ્મિત મચ્છરે ઇઝરાયલ જતી ફ્લાઇટમાં કટોકટીની પરિસ્થિતિ દરમિયાન અડગ મનોબળ અને અસાધારણ સાહસ દાખવ્યું હતું. ઉપલબ્ધ અહેવાલો અનુસાર, તેમણે પોતાના પ્રાણોની પરવા કર્યા વિના 174થી વધુ મુસાફરોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા બાદ સારવાર હેઠળ હોવાનું જણાવાયું છે.
ચોટીલા ચામુંડા ધામ ખાતે યોજાયેલી મહાઆરતી દરમિયાન કેપ્ટન સ્મિતના સ્વાસ્થ્યલાભ અને લાંબા આયુષ્ય માટે ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. ઉપસ્થિતોએ તેમના સાહસને યાદ કરી તેમના વહેલા સ્વસ્થ થવાની કામના વ્યક્ત કરી હતી.
ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માન
કેપ્ટન સ્મિત મચ્છરે બતાવેલા અસાધારણ શૌર્ય બદલ ગુજરાત સરકાર દ્વારા તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્લાઇટમાં સર્જાયેલી કટોકટી દરમિયાન તેમણે દાખવેલી હિંમતને રાજ્યસ્તરે બિરદાવવામાં આવી રહી છે.
