છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાયાકોઈ ગામમાં પ્રાથમિક શાળાના નવા મકાનનું બાંધકામ અધવચ્ચે અટકી ગયું હોવાનો મામલો સામે આવ્યો છે. આશરે રૂ. 20 લાખના ખર્ચે બનનારી આ શાળાનું કામ શરૂ થયા બાદ માત્ર પાયા ખોદવામાં આવ્યા હતા. ત્યાર પછી બાંધકામ આગળ ન વધતાં કોન્ટ્રાક્ટર ગાયબ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
મળતી માહિતી મુજબ, છોટા ઉદેપુર સર્વ શિક્ષા અભિયાન હેઠળ માર્ચ 2026માં એ.આર. પટેલ એજન્સીને બાંધકામ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. શાળાનું કામ 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં પૂર્ણ કરીને સોંપવાનું નક્કી કરાયું હતું. જોકે, નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ સ્થળ પર પાયા સિવાયનું કામ થયું નથી.
અધૂરા બાંધકામથી વિદ્યાર્થીઓને મુશ્કેલી
શાળાનું મકાન અધૂરું રહેતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાલાકી પડી રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. નવા મકાનની સુવિધા મળવાની રાહ જોતા બાળકો માટે બાંધકામમાં વિલંબ મુશ્કેલીરૂપ બન્યો છે. આ મુદ્દે સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.
ગ્રામજનોની માગ છે કે શાળાનું બાંધકામ તાત્કાલિક ફરી શરૂ કરાવી સમયસર પૂર્ણ કરવામાં આવે. સંબંધિત અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને કામ શરૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. જોકે, નોટિસ બાદ પણ કામગીરીમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી એવો ગ્રામજનોનો દાવો છે.
હવે શિક્ષણ વિભાગ અને સંબંધિત તંત્ર અધૂરા બાંધકામ અંગે કઈ કાર્યવાહી કરે છે અને શાળાનું કામ ક્યારે પૂર્ણ થાય છે તે મહત્વનું બન્યું છે.
