સુરત અને અમદાવાદમાં છઠ્ઠ પૂજાના આયોજન માટે ઘાટ અને અન્ય વ્યવસ્થાઓ તૈયાર કરાઈ છે. સુરતમાં આશરે 22 સ્થળે પૂજા યોજાશે. આયોજકોના અંદાજ પ્રમાણે, એક લાખથી 1.25 લાખ લોકો વ્રત રાખશે, જ્યારે વિવિધ ઘાટ પર પાંચ લાખથી વધુ લોકો આવવાની શક્યતા છે.

ચાર દિવસીય પર્વ 13 નવેમ્બરે નહાય-ખાયથી શરૂ થયું. 14 નવેમ્બરે વ્રતધારીઓ ખરના પાળે છે. 15 નવેમ્બરની સાંજે અસ્તાચળના સૂર્યને અર્ઘ્ય અપાશે અને 16 નવેમ્બરની સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય સાથે વ્રત પૂર્ણ થશે.

સુરતમાં નદીમાં સીધા ઉતરવા પર પ્રતિબંધ

સુરતમાં અંબાજી મંદિર પાછળના ઘાટ પર ભક્તોની સુવિધા અને સલામતી માટે વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી માર્ગદર્શિકા અને સલામતીને ધ્યાનમાં રાખીને ભક્તોને સીધા નદીમાં ઉતરવાની મંજૂરી નહીં હોય. સ્નાન અને અર્ઘ્ય માટે ઘાટ પર સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરાઈ છે.

આવતા વાહનો માટે વેલેટ પાર્કિંગ રાખવામાં આવ્યું છે. 16 નવેમ્બરે પ્રસાદનું વિતરણ થશે; સ્વયંસેવકો લીંબુ પાણી અને ચા આપશે. સ્થળે ટ્રસ્ટના 60થી 70 સભ્યો, 30થી 40 મહિલા સુરક્ષાકર્મીઓ અને ઉમરા પોલીસ સ્ટેશનના 100 પોલીસકર્મીઓ તહેનાત રહેશે.

અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ પાસે નવો ઘાટ

અમદાવાદમાં સાબરમતી નદી પર ઇન્દિરા બ્રિજ નજીક મોટા ઘાટ તૈયાર કરાયા છે. આ વર્ષે એક વધારાનો ઘાટ પણ બનાવાયો છે. સફાઈ, પ્રકાશ અને શણગારની વ્યવસ્થા ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વહીવટી અધિકારીઓ માટે મંચ ઊભા કરાયા છે. અમરાઈવાડી, સારસપુર, મેઘાણીનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં કૃત્રિમ ઘાટ પણ ગોઠવાશે.

ઇન્દિરા બ્રિજ પાસેના ઘાટ પર દૂરથી આવતા ભક્તો સામાન્ય રીતે રાત રોકાય છે. તેમની રહેવાની વ્યવસ્થા કરાઈ છે. છઠ્ઠ પૂજા સમિતિના પ્રમુખ મહાદેવભાઈ ઝાએ જણાવ્યું કે, આ વર્ષે આશરે 5,000 લોકો માટે ખીચડી, કઢી અને શાકની વ્યવસ્થા છે. ભક્તો માટે સ્થળે સૂવાની સગવડ પણ રાખવામાં આવી છે. વધારાનો ઘાટ બનતાં અગાઉ જગ્યા ઓછી પડતી હોવાની મુશ્કેલી ઘટશે, તેમ તેમણે જણાવ્યું.