ચાણસ્મા-મહેસાણા હાઇવે પર ધાણોધરડા ગામના પાટિયા પાસે કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં 35 વર્ષીય હિતેન્દ્રસિંહ કાન્તુભા વાઘેલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માતમાં કારનો આગળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત થયો હતો. ચાણસ્મા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, મૂળ વડા ગામના હિતેન્દ્રસિંહ છેલ્લા કેટલાક સમયથી ચાણસ્માના રામપુરા ગામે પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. તેઓ ધાણોધરા નજીકની કાચની કંપનીમાં નોકરી કરતા હતા. મંગળવારે બપોરે તેઓ દીકરી માટે દવા લઈને ચાણસ્માથી કારમાં રામપુરા પરત ફરી રહ્યા હતા.

ધાણોધરડા ગામના પાટિયા પાસે મહેસાણા તરફ જતું ડમ્પર અચાનક ઊભું રહેતાં પાછળ આવતી કાર તેની પાછળ અથડાઈ હતી. પ્રાથમિક અહેવાલમાં ડમ્પરચાલકે કયા કારણસર બ્રેક મારી તે સ્પષ્ટ થયું નથી. અકસ્માત બાદ ડમ્પરચાલક નજીકના પેટ્રોલપંપ પર વાહન મૂકીને ત્યાંથી જતો રહ્યો હોવાનો અહેવાલ છે.

ઘટનાની જાણ થતાં 108ની ટીમ, પોલીસ અને પરિવારજનો સ્થળે પહોંચ્યા હતા. કારમાં ફસાયેલા હિતેન્દ્રસિંહને બહાર કાઢીને ચાણસ્મા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપાયો હતો અને અંતિમવિધિ માટે તેમના વતન વડા લઈ જવાયો હતો. ચાણસ્મા પોલીસ અકસ્માત અંગે તપાસ કરી રહી છે.