દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubaiની ફ્લાઈટ FZ1073માં 30 સપ્ટેમ્બર, 2026ના રોજ કોકપિટમાં ગંભીર ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર ઈજાગ્રસ્ત થયા હોવા છતાં વિમાનમાં સવાર લોકોની સુરક્ષા માટે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ફ્લાઈટને ઈઝરાયેલના બદલે સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. અહેવાલો અનુસાર વિમાનમાં 174 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા.
કોકપિટમાં પાયલટ્સ વચ્ચે ઝપાઝપી થયા બાદ ઇમરજન્સી અને હાઈજેક સંબંધિત એલર્ટ જારી કરવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો થયો હતો. ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે પરિસ્થિતિ સંભાળવામાં મદદ કરી અને વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામાં મહત્વનો ફાળો આપ્યો. મુસાફરો અને ક્રૂના સભ્યોએ પણ હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. ઘટનાની સંપૂર્ણ તપાસ ચાલી રહી હોવાથી હુમલાનો ચોક્કસ હેતુ સત્તાવાર રીતે નિશ્ચિત થયો નથી.
વઢવાણ મૂળ અને સાવરકુંડલા સાથે પારિવારિક જોડાણ
કેપ્ટન સ્મિત મચ્છરનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. તેમનું સાસરું અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છે, જેના કારણે આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે પણ ગૌરવની લાગણી જોવા મળી રહી છે. જોકે તેમનો પરિવાર વર્ષોથી મુંબઈમાં સ્થાયી હોવાનું જણાવાયું છે.
તેમના સાળા હિરેન જોગીના જણાવ્યા પ્રમાણે, ઘટનાની જાણ થતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. મુશ્કેલ પરિસ્થિતિમાં મુસાફરોની સુરક્ષા માટે સ્મિતે બતાવેલી હિંમત પર પરિવારને ગર્વ છે.
લાંબો ઉડ્ડયન અનુભવ
ઉપલબ્ધ માહિતી મુજબ કેપ્ટન સ્મિત મચ્છરે 11 વર્ષથી વધુ સમય સુધી SpiceJetમાં પાયલટ તરીકે કામ કર્યું છે. તેમને 9,500થી વધુ ફ્લાઈંગ કલાકનો અનુભવ છે, જેમાં 6,400થી વધુ કલાક પાયલટ-ઈન-કમાન્ડ તરીકેની ફરજનો સમાવેશ થાય છે. હાલ સાઉદી અરેબિયામાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જણાવાયું છે.
કેપ્ટન સ્મિત મચ્છરની હિંમતની વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત અનેક નેતાઓએ પ્રશંસા કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 ઓક્ટોબર, 2026ના રોજ રાજ્ય સરકાર તરફથી તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
