બોટાદના ગઢડા રોડ વિસ્તારમાં નવરાત્રિના આયોજન દરમિયાન ગાળો બોલવાની ના પાડતાં યુવક પર છરીથી હુમલો થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. ઘટનામાં યુવકને હાથની આંગળી અને પેટના ડાબા ભાગે ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદ મુજબ, વિપુલભાઈ દિનેશભાઈ મેણીયાએ ગઢડા રોડ પર માધવ પાર્ક નજીક નવરાત્રિનું આયોજન કર્યું હતું. દરમિયાન સિદ્ધિબેન હરેશભાઈ સાપરા ત્યાં આવી ગાળો બોલતાં તેમને અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સિદ્ધિબેન ઘરે જઈ છરી લાવી યુવક પર હુમલો કરવા દોડી આવ્યા હોવાનો આક્ષેપ છે. યુવકે છરી પકડવાનો પ્રયાસ કરતાં હાથની આંગળીમાં ઈજા થઈ હતી અને પેટના ડાબા ભાગે પણ ઘસરકો થયો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, યુવકે પોલીસને જાણ કરવાની વાત કરતાં સિદ્ધિબેને મોબાઇલ ફોન માગ્યો હતો. આ દરમિયાન તેમના પતિ હરેશ સાપરા મોટરસાયકલ પર ત્યાં આવ્યા હતા અને બંને સ્થળ પરથી જતા રહ્યા હતા. યુવકને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

બોટાદ પોલીસે પતિ-પત્ની સામે ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત પોલીસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.