બોટાદ જિલ્લાના તુરખા અને દેવધરી વચ્ચેના માર્ગ પર 1 ઓક્ટોબરના રોજ કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇકસવાર બે પિતરાઈ ભાઈ ઇજાગ્રસ્ત થયા હતા. બંને કડુકા ગામે દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે વાડી વિસ્તારમાં આ અકસ્માત થયો હતો.
ગઢડા તાલુકાના શિયાનગર ગામે રહેતા ચોથાભાઈ રામજીભાઈ મુંધવા અને બરવાળા તાલુકાના વૈયા ગામે રહેતા તેમના પિતરાઈ ભાઈ વીરમભાઈ રયાભાઈ મુંધવા બાઇક પર સવાર હતા. ચોથાભાઈ બાઇક ચલાવી રહ્યા હતા, જ્યારે વીરમભાઈ પાછળ બેઠા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, બપોરે આશરે સાડા અગિયારથી બાર વાગ્યાની વચ્ચે તુરખા-દેવધરી માર્ગ પર સામેથી આવી રહેલી સ્વિફ્ટ કાર સાથે બાઇક અથડાઈ હતી. ટક્કર બાદ બંને રસ્તા નજીકના ખાળિયામાં પડી ગયા હતા. કારચાલકની બેદરકારી અને પૂરઝડપે વાહન ચલાવવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બંને ભાઈઓને ગંભીર ઇજા
અકસ્મતમાં ચોથાભાઈને બંને હાથમાં ઇજા થઈ હતી. તેમના ડાબા હાથમાં કોણીથી નીચે ફ્રેક્ચર થયું હતું, જ્યારે મોઢા અને ડાબા પગે પણ ઇજા પહોંચી હતી. વીરમભાઈને બંને હાથમાં ઇજા થઈ હતી. તેમના જમણા હાથ અને જમણા પગમાં ગંભીર ઇજા તથા ફ્રેક્ચર થયું હોવાનું જણાવાયું છે.
આસપાસના લોકો ભેગા થયા બાદ બંને ઇજાગ્રસ્તોને ખાનગી વાહનમાં બોટાદની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે બંનેને ભાવનગરની બીમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચોથાભાઈને ત્યાંથી ગોપીનાથ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યારે વીરમભાઈ બીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જણાવાયું છે.
ચોથાભાઈ મુંધવાએ સ્વિફ્ટ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
