બોટાદ જિલ્લાના તુરખા ગામ નજીક સરકારી હોસ્પિટલ પાસે કાર રોકીને છરાથી તોડફોડ કરવાના અને ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે પાળીયાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા ગુજરાત પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના દેવધરી ગામે રહેતા અને દૂધનો વેપાર કરતા ભગાભાઈ આંબાભાઈ સરૈયા, ઉંમર 50 વર્ષ, 1 ઓક્ટોબરની રાત્રે બોટાદથી કારમાં પરત ફરી રહ્યા હતા. તેઓ દર્દીની સંભાળ બાદ દેવધરી જઈ રહ્યા હતા.
રાત્રે આશરે 11:45 વાગ્યે તુરખા ગામ પાસે પહોંચતા પાછળથી બાઇક પર આવેલા ઝરીયા ગામના જયદિપ ટપુભાઈ કાળીયાએ કારની આગળ મોટરસાઇકલ આડી મૂકી ગાડી અટકાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ તેણે મોટો છરો કાઢીને કારના ડ્રાઇવર સાઇડના દરવાજા પર ઘા માર્યા હતા. આ ઘટનામાં કારને રૂ. 2,500નું નુકસાન થયું હોવાનો આક્ષેપ છે.
કાર અથડાવ્યાના આરોપ સાથે વિવાદ
ફરિયાદ મુજબ, આરોપીએ ‘તારી કાર કેમ મારી ગાડી સાથે ભટકાડી?’ તેમ કહી ગાળો આપી હતી અને ભગાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન સ્થાનિક રાહદારી ત્યાં આવી પહોંચતાં આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ઘટનાના થોડા સમય બાદ પણ આરોપીએ ભગાભાઈને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે પાળીયાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તપાસ એએસઆઈ ગોવિંદભાઈ ગલચરને સોંપવામાં આવી છે. આરોપી સામેની કાયદેસરની કાર્યવાહી અને ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
