કચ્છના ભુજ–ખાવડા હાઈવે પર વેકરિયા રણ નજીક શનિવાર, 21 નવેમ્બર 2026ની રાત્રે કાર અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં બે પુરુષ, બે મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. જીવ ગુમાવનારાઓમાં ત્રણ મહિનાની બાળકી પણ હતી. કારમાં સવાર તમામ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.

અહેવાલ મુજબ, કાર ખાવડાથી ભુજ તરફ આવી રહી હતી, જ્યારે ટ્રેલર સામેથી ખાવડા તરફ જઈ રહ્યું હતું. વેકરિયા રણના પટ્ટા નજીક બંને વાહનો સામસામે અથડાયાં હતાં. ટક્કરમાં કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

સૈન્યકર્મીઓના પરિવારજનો પ્રવાસે નીકળ્યા હતા

પશ્ચિમ કચ્છ પોલીસ કંટ્રોલ રૂમના અધિકારીને ટાંકતા અહેવાલ પ્રમાણે, મૃતકો ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના વતની અને ભુજમાં ફરજ બજાવતા સૈન્યકર્મીઓના પરિવારજનો હતા. તેઓ કચ્છના રણની મુલાકાત લીધા પછી ભુજ પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો.

મૃતકોમાં સૌરભસિંહ નેગી, તેમનાં પત્ની સવિતા અને ત્રણ મહિનાની પુત્રી સિવિકા સામેલ છે. રાજેશસિંહ રાવત અને તેમની સાત વર્ષની પુત્રી રક્ષિતા તેમજ રિંકી ગોસાઈં અને તેમની પુત્રી વામિકાએ પણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

અકસ્માની જાણ થયા પછી સૈન્યના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બંને વાહનો કયા સંજોગોમાં અથડાયાં અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ ચાલી રહી છે. હાલ ઉપલબ્ધ માહિતીમાં અકસ્માત માટે કોની જવાબદારી હતી તે નક્કી થયું નથી.