ભુજની ઐતિહાસિક ઓલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ગાંધી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સલામતી સેમિનાર યોજાયો હતો. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમોનું પાલન અને સુરક્ષિત વાહનવ્યવહાર અંગે જાગૃતિ લાવવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની પ્રાર્થનાથી થઈ હતી. શાળાના આચાર્ય એન. કે. સીજુબેને ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્ય ભૂમિબેન ચોક્સી, શાળાનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

ગાંધી સપ્તાહ નિમિત્તે માય ભારત-એનવાયકે ભુજના જિલ્લા યુવા અધિકારી અમિત શર્મા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમણે ગાંધીજીના વિચારોને જવાબદાર નાગરિકત્વ સાથે જોડતાં જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું પાલન માત્ર કાયદાકીય ફરજ નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી પણ છે. તેમણે વિદ્યાર્થીઓને સુરક્ષિત ડ્રાઇવિંગ અને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

પોલીસ અધિકારીઓએ સમજાવ્યા સલામતીના નિયમો

જિલ્લા ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આર. વી. જોષીએ ટ્રાફિક કાયદા, હાઇવે પર રાખવાની સાવચેતી અને અકસ્માતથી બચવાના ઉપાયો સમજાવ્યા હતા. સીટી ટ્રાફિકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. બી. લાખણોત્રાએ હેલ્મેટ અને સીટબેલ્ટના ફરજિયાત ઉપયોગ પર ભાર મૂક્યો હતો. વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ તે અંગે તેમણે વ્યવહારુ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને સમજ આપી હતી.

કાર્યક્રમ સંકલનકર્તા એમ. આઈ. બાયડે વિદ્યાર્થીઓને માર્ગ સલામતીનો સંદેશ પોતાના પરિવાર અને મિત્રો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. કાર્યક્રમનું સંચાલન હેતલબેન પોકારે કર્યું હતું, જ્યારે કસ્તુરબેન પિંડોરીયાએ આભારવિધિ કરી હતી.

અંતે પોલીસ અધિકારીઓની આગેવાનીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની શપથ લીધી હતી. આ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.