ઓડિશાના ભુવનેશ્વરમાં નિવૃત્ત DFOની 76 વર્ષીય પત્ની કુન્જલતાબેન નંદાની હત્યાના કેસમાં શંકાસ્પદ તરીકે ઓળખાયેલા બાલભદ્ર રામચરણ મહારાણાની ગુજરાતમાં ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા ગ્રામ્ય SOGએ સંયુક્ત કાર્યવાહી કરીને તેને કરજણ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર કૃષ્ણા હોટેલ પાસે પકડ્યો હતો. ઓડિશા પોલીસની માહિતીના આધારે આ કાર્યવાહી થઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ, મહારાણા છેલ્લા ચારથી પાંચ મહિનાથી નંદાના ઘરે કેરટેકર તરીકે કામ કરતો હતો. 3 નવેમ્બરે ભુવનેશ્વરના લક્ષ્મીસાગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઘરમાં નંદાનો મૃતદેહ મળ્યો હતો. સવારે દરવાજો ન ખૂલતાં અને અંદરથી કોઈ જવાબ ન મળતાં પડોશીઓએ દરવાજો ખોલ્યો હતો. પોલીસને શરીર અને ગળા પર ઈજાનાં નિશાન મળ્યાં હતાં. કેરટેકર પણ ત્યાં હાજર ન હોવાથી તપાસમાં તેના પર શંકા ગઈ હતી.

લુધિયાણાથી સુરત પહોંચ્યો હોવાનો પોલીસનો દાવો

તપાસમાં શંકાસ્પદે હત્યા બાદ ઘરમાંથી 32 હજાર રૂપિયા રોકડા અને આશરે 50થી 60 ગ્રામ સોનાનાં દાગીનાં લીધાં હોવાનું પોલીસનું કહેવું છે. ત્યાર બાદ તે ટ્રેનમાં ભુવનેશ્વરથી પંજાબના લુધિયાણા ગયો હતો અને ત્યાંથી સુરત પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પકડથી બચવા તે પોતાનો મોબાઇલ ફોન વાપરતો નહોતો. મુસાફરી દરમિયાન ફોન કરવા અજાણ્યા લોકોના ફોન માગતો હતો, જેથી તેનું સ્થાન શોધવું મુશ્કેલ બને.

ઓડિશા પોલીસે ટેકનિકલ માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી હતી કે શંકાસ્પદ સુરતમાં છે અને બસથી દિલ્હી તરફ જવાની તૈયારીમાં છે. આ માહિતી મળતાં સુરતની ટીમે તપાસ શરૂ કરી હતી. કામગીરીમાં વડોદરા ગ્રામ્ય SOGને પણ જોડવામાં આવી હતી. બંને ટીમોએ સંયુક્ત રીતે ઘેરાબંધી કરીને કરજણ નજીકથી તેને પકડ્યો.

સુરતના DCP ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે શંકાસ્પદ પાસે નંદાના ઘરમાંથી લઈ જવાયેલી રોકડ અને સોનાનાં દાગીનાં મળી આવ્યાં છે. સ્થાનિક અદાલતે સુરત અને વડોદરા પોલીસને તેની પાંચ દિવસની ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરી હતી. કાનૂની પ્રક્રિયા પૂરી થયા બાદ તેને વધુ તપાસ માટે ઓડિશા પોલીસને સોંપવામાં આવ્યો છે. ભુવનેશ્વરના લક્ષ્મીસાગર પોલીસ મથકમાં કેસની આગળની તપાસ થશે.