વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભિલાડ RTO ચેકપોસ્ટ નજીક ટ્રક ડ્રાઈવર પર હુમલો કરી રોકડ લૂંટવાના કેસમાં LCBએ ચાર યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરને પકડ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી બાઈક, મોબાઈલ ફોન, રોકડ અને ચાકુ સહિત કુલ રૂ. 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 8 નવેમ્બર 2026ની સવારે ભિલાડ RTO ચેકપોસ્ટ પાસે મેલડી માતાના મંદિર સામે સર્વિસ રોડ પર ટ્રક ઊભી હતી. વાપીથી મુંબઈ તરફ જતા માર્ગ પર બે બાઈકમાં આવેલા પાંચથી છ શખસોએ ડ્રાઈવરને ઘેરી લીધો હતો. ધમકાવી તેની પાસેથી રૂ. 8થી 9 હજાર લૂંટ્યા બાદ તેમણે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવા માટે મોબાઈલનો પાસવર્ડ માગ્યો હતો.
ડ્રાઈવરે પાસવર્ડ આપવાનો ઇનકાર કરતાં તેની સાથે ઝપાઝપી થઈ હતી અને છરી જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હતો. ડ્રાઈવરના કપાળ, ડાબા હાથના ખભા અને પેટના બંને ભાગે ઈજા થઈ હતી. હુમલા બાદ આરોપીઓ બાઈક પર ભાગી ગયા હતા. આ અંગે ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
CCTV અને ટેક્નિકલ સર્વેલન્સથી ઓળખ
જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB PI એ.યુ. રોઝ અને PSI જે.બી. ધનેશાની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આસપાસના CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી.
પકડાયેલા ચાર પુખ્ત આરોપીઓ બિટ્ટુ સુનીલ શર્મા (20), રેહાન ઉર્ફે કલ્લુ ફિરોઝ મલીક (19), રીતેશ રાજેશ યાદવ (20) અને ફિદાહુસેન સદાહુસેન મનિહાર (22) છે. પોલીસના જણાવ્યા અનુસાર, ચારેય વાપી વિસ્તારમાં રહે છે અને ઉત્તરપ્રદેશના મૂળ વતની છે. તેમની સાથે એક સગીરને પણ પકડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં આરોપીઓએ દિવાળીની ઉજવણી અને મોજશોખ માટે નાણાંની જરૂર હોવાથી લૂંટ કરી હોવાનું કબૂલ્યું હોવાનો પોલીસનો દાવો છે. રેહાન ઉર્ફે કલ્લુ સામે વાપી ટાઉન પોલીસ મથકે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
બાઈક, મોબાઈલ અને રોકડ કબજે
પોલીસે લૂંટમાં વપરાયેલી એક પલ્સર બાઈક અને એક એક્ટિવા, સાત મોબાઈલ ફોન, રોકડા રૂ. 9 હજાર તથા બે ચાકુ/છરી કબજે કર્યાં છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 1.39 લાખ હોવાનું જણાવાયું છે. કેસમાં આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ છે.
