વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભિલાડ હાઈવે પર ટ્રક ડ્રાઈવર પર હુમલો કરી રોકડ લૂંટવાના કેસમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. આરોપીઓમાં એક સગીર પણ સામેલ છે.

ઘટના ભિલાડ પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઈવે પર જૂની આરટીઓ ચેકપોસ્ટ નજીક બની હતી. આરામ કરવા માટે ટ્રક રસ્તાની બાજુએ ઊભી રાખીને ડ્રાઈવર બેઠો હતો, ત્યારે મોટરસાયકલ અને મોપેડ પર આવેલા પાંચ શખ્સોએ તેને ઘેરી લીધો હતો. તેમણે ડ્રાઈવર પાસે રૂપિયા માગ્યા હતા. ડ્રાઈવરે રોકડ ન હોવાનું કહેતાં આરોપીઓ ટ્રકની કેબિનમાં ચઢ્યા અને ત્યાં રાખેલા ₹8થી 9 હજાર લઈ ગયા હોવાનો આરોપ છે.

આરોપીઓએ ડ્રાઈવરનો મોબાઈલ ફોન અને બેંકની ઓનલાઇન એપનો પાસવર્ડ પણ માગ્યો હતો. તેણે આપવાનો ઇનકાર કરતાં તેના પર છરીથી હુમલો કરાયો હતો. ડ્રાઈવરની બૂમો સાંભળીને નજીકમાં રહેલા અન્ય ટ્રક ડ્રાઈવરો સ્થળે પહોંચ્યા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. તેની સારવાર ચાલી રહી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

પોલીસે બિટ્ટુ શર્મા, રેહાન મલિક, રીતેશ યાદવ અને ફિદા હુસેન સહિત પાંચની ધરપકડ કરી છે. તેમની ઉંમર આશરે 20 વર્ષની હોવાનું પોલીસે જણાવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે. પોલીસે લૂંટાયેલી રોકડ અને ગુનામાં વપરાયેલા હથિયારો કબજે કર્યાનું પણ જણાવ્યું છે.

વાપીના DySP બી.એન. દવેએ જણાવ્યું કે તપાસ દરમિયાન આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમણે અગાઉ એકાંત વિસ્તારોમાં ટ્રક ડ્રાઈવરો અથવા રાહદારીઓને ધમકાવી નાની-મોટી રકમ લૂંટી હોવાની બે-ત્રણ ઘટનાઓની પણ તપાસમાં જાણ થઈ છે. પોલીસ આવા અન્ય ભોગ બનેલા લોકોનો સંપર્ક કરી રહી છે અને કેસમાં વધુ તપાસ ચાલુ છે.