અમદાવાદ જિલ્લાના ભાયલા બ્રિજ નજીક રાજકોટ-અમદાવાદ હાઈવે પર એક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. બસ રાજકોટથી અમદાવાદ તરફ જઈ રહી હતી. આગની જાણ થતાં ઘટનાસ્થળ નજીક કેરાળા બ્રિજ પર તહેનાત 112ની PCR ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી.
પોલીસ ટીમે સૌપ્રથમ બસમાં સવાર મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ 112ની ટીમે LB Fire ટીમને જાણ કરી હતી. ફાયર ટીમે સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
112 અને ફાયર ટીમની કામગીરી
આ કામગીરી દરમિયાન HC રાજેશભાઈ ભીખાભાઈ, 112 પાયલોટ ધરમભાઈ અને GRD શક્તિભાઈ સહિતની પોલીસ ટીમ હાજર હતી. આગને કારણે હાઈવે પર વાહનવ્યવહારને અસર ન થાય અને અન્ય વાહનચાલકોને જોખમ ન રહે તે માટે પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો.
આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ વાહનવ્યવહારની સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જણાવાયું છે. આગ કયા કારણોસર લાગી તેની માહિતી ઉપલબ્ધ નથી.
