ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મી સોસાયટીમાં બંધ મકાનમાંથી થયેલી ચોરીનો ઘોઘારોડ પોલીસે ભેદ ઉકેલ્યો છે. પોલીસે રાજુ સવજી સોલંકીની ધરપકડ કરી તેની પાસેથી રૂ.2,31,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

લક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રતિભાબેન ગીરીશ શાહ મકાનને તાળું મારી રાજકોટમાં રહેતી તેમની દીકરીના ઘરે ગયા હતા. આ દરમિયાન 25 સપ્ટેમ્બરની રાત્રે તસ્કરોએ મકાનની બારીનો કાચ તોડી ગ્રીલ વાળી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કબાટમાં રાખેલો સામાન વેરવિખેર કરીને દાગીના અને અન્ય વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

બારીનો કાચ તોડી મકાનમાં પ્રવેશ

ચોરીમાં ચાંદીના સિક્કા, ચાંદીના બે અવોર્ડ, સોનાની બુટી, સોનાનું પેન્ડલ, હીરાની ચુન્ની, ઘડિયાળો, ઇમિટેશન જ્વેલરી, ચાંદીના આઠ ગ્લાસ, ચાંદીના દીવા, ચાંદીનો રથ અને પરફ્યુમ સહિત કુલ રૂ.3.25 લાખનો સામાન ગયો હતો. બનાવ અંગે વૃદ્ધાએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

જવાહર મેદાનમાંથી શંકાસ્પદની ધરપકડ

તપાસ દરમિયાન ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે જવાહર મેદાનમાં રિક્ષા સાથે એક શંકાસ્પદ શખસ ઊભો હોવાની બાતમી મળી હતી. પોલીસે તપાસ કરીને રાજુ સવજી સોલંકીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાંથી આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આરોપીએ ચોરીનો સામાન ગુરુદ્વારા સામે આવેલા જવાહર મેદાનના ઝૂંપડામાં સંતાડ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીને સાથે રાખીને ત્યાં તપાસ કરી ચાંદીના દાગીના અને ઇમિટેશન જ્વેલરી સહિત રૂ.2,31,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.