ભાવનગર-રાજકોટ હાઈવે પર નવાગામ ચીરોડા નજીક 27 નવેમ્બરે થયેલા અકસ્માતમાં બનેવી અને સાળાનું મોત થયું. અગરબત્તી વેચવાનું કામ કરતા સુનિલભાઈ રમણીકલાલ ગોહિલ (36) અને તેમના સાળા વિજયભાઈ કાંતિભાઈ મેર (35) મોટરસાઈકલ પર સિહોર તરફ જઈ રહ્યા હતા. અકસ્માત બાદ કારચાલક કાર ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો.

વરતેજ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, બંને નવાગામ ચીરોડા પાસે ‘પટેલ સ્ટેપ’ કંપની સામે પહોંચ્યા ત્યારે સિહોર તરફથી આવતી બલેનો કારે તેમની મોટરસાઈકલને ટક્કર મારી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે કારચાલકે ઝડપ અને બેદરકારીથી કાર ચલાવી ડિવાઈડર ઓળંગીને સામેની બાજુએ પ્રવેશ કર્યો હતો. ટક્કરથી મોટરસાઈકલસવાર બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી.

અકસ્મતની જાણ થતાં સુનિલભાઈને 108 એમ્બ્યુલન્સમાં અને વિજયભાઈને ખાનગી વાહનમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલ લઈ જવાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુનિલભાઈનું બપોરે આશરે 4:48 વાગ્યે મોત થયું હતું. ત્યારબાદ સાંજે આશરે 7:40 વાગ્યે વિજયભાઈએ પણ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

મૃતક સુનિલભાઈના કાકા મુકેશભાઈ ધનજીભાઈ ગોહેલે કારચાલક સામે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અકસ્માત બાદ ફરાર થયેલી કારનો નંબર GJ-36-L-3030 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે; અકસ્માતના ફોટા સોશિયલ મીડિયા અને વોટ્સએપ જૂથોમાં વહેતા થયા બાદ આ નંબર સામે આવ્યો હતો. પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.