ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 1 ઓક્ટોબર, 2026ના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સામે ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન 79 આસામીઓ પાસેથી અંદાજિત 100.5 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલે મનપાએ કુલ રૂ.65,500નો દંડ વસૂલ્યો હતો.

પર્યાવરણને નુકસાન પહોંચાડતા 50 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ તેનો ઉપયોગ કરતા હોવાનું મનપાની કાર્યવાહીમાં સામે આવ્યું છે. વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ ખરીદીને ગ્રાહકોને આપવામાં આવતી હોવાની માહિતીના આધારે અલગ-અલગ સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ગંદકી ફેલાવનારા 53 લોકોને પણ દંડ

ચેકિંગ દરમિયાન ડસ્ટબિન ન રાખવા, જાહેર સ્થળે કચરો ફેંકવા અને થૂંકીને ગંદકી ફેલાવવા બદલ 53 આસામીઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. તેમની પાસેથી કુલ રૂ.15,050નો દંડ વસૂલવામાં આવ્યો હતો. પ્લાસ્ટિક અને સ્વચ્છતા સંબંધિત કાર્યવાહી મળીને કુલ 132 આસામીઓ પાસેથી રૂ.80,550નો દંડ વસૂલાયો હતો.

મહાનગરપાલિકાએ વેપારીઓ અને શહેરીજનોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી છે. તેના બદલે કાપડની થેલી, ઇકો-ફ્રેન્ડલી અથવા બાયોડીગ્રેડેબલ બેગનો ઉપયોગ કરવા જણાવાયું છે. કચરો ગમે ત્યાં ન ફેંકીને ડસ્ટબિન અને ટેમ્પલ બેલમાં જ નાખવા પણ અપીલ કરવામાં આવી છે.

ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે મહાનગરપાલિકાની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. મનપાએ શહેરની સ્વચ્છતા જાળવવા નાગરિકો અને વેપારીઓના સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.