ભાવનગરની નારી ચોકડી નજીક ફાસ્ટફૂડ અને પાનમાવાની દુકાન ચલાવતા વિશાલભાઈ વાલાભાઈ ઢીલાએ પોતાનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હોવાની અને ₹5 લાખની ખંડણી માગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રેતીની લીઝના હિસાબના જૂના વિવાદને આ ઘટના સાથે જોડવામાં આવ્યો છે. વરતેજ પોલીસે નામજોગ તથા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
કૈલાશનગરમાં રહેતા વિશાલભાઈ નારીથી સીદસર જતા સર્વિસ રોડ પર ‘મોગલ ફાસ્ટફૂડ અને પાનમાવા’ નામનું એકમ ભાડેથી ચલાવે છે. ફરિયાદ મુજબ, 25 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યે તેઓ કાઉન્ટર પર બેઠા હતા. ત્યારે વિશ્વરાજસિંહ ઉર્ફે ભાણું જાડેજા અને મયુરસિંહ ગોહિલ સ્કોર્પિયોમાં આવ્યા હતા. બંનેએ ગ્રાહકોને અપશબ્દો કહી હોટલ બંધ કરાવી દીધી હોવાનો આરોપ છે.
રેતીની લીઝના હિસાબનો વિવાદ હોવાનો દાવો
વિશાલભાઈએ કારણ પૂછતાં તેમને અગાઉ હોટલ ચલાવતા જયદીપસિંહ ગોહિલ અને હોટલના માલિક અશોકભાઈ ચાડની બોડેલી ખાતેની રેતીની લીઝના હિસાબ અંગે જણાવવામાં આવ્યું હતું. ફરિયાદ પ્રમાણે, આ હિસાબને લઈને જયદીપસિંહને સિદ્ધરાજસિંહ સરવૈયા અને હરપાલસિંહ સરવૈયા સાથે વિવાદ થયો હતો. તેની અદાવતમાં હોટલ બંધ કરાવવામાં આવી હોવાનો વિશાલભાઈનો આક્ષેપ છે.
ત્યારબાદ શ્રીપાલસિંહ ગોહિલે ફોન કરીને હોટલ બંધ રાખવા અને પગ તોડી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. વિશાલભાઈ હોટલ બંધ કરીને નજીકના ‘બેઠક’ નામના ગલ્લા પર બેઠા હતા.
થોડી વાર પછી વિશ્વરાજસિંહ, મયુરસિંહ, હરપાલસિંહ અને સિદ્ધરાજસિંહ સહિતના શખ્સો સ્કોર્પિયો તથા સ્વિફ્ટ કારમાં ત્યાં આવ્યા હતા. તેઓ વિશાલભાઈને હોટલમાં લઈ ગયા હતા. ત્યાં વિશ્વરાજસિંહે સીસીટીવીનું DVR કાઢી લીધું અને અન્ય શખ્સોએ ચાના કાઉન્ટર તથા ફ્રીઝ સહિતના સામાનમાં તોડફોડ કરી હોવાનો આરોપ છે.
વાડીએ લઈ જઈ માર માર્યાની ફરિયાદ
ફરિયાદ મુજબ, ત્યારબાદ વિશાલભાઈને લાફા મારી સ્કોર્પિયોમાં બેસાડીને કુમાર ઉર્ફે દિગપાલસિંહ ગોહિલની વાડીએ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને ઢીકાપાટુનો માર મારી, જીવતા રહેવું હોય અને હોટલ ચલાવવી હોય તો ₹5 લાખ આપવા પડશે તેવી ધમકી અપાઈ હતી.
પૈસાની વ્યવસ્થા કરવાના બહાને વિશાલભાઈએ પિતા અને માસીના દીકરાને ફોન કર્યા હતા. ત્યારબાદ તેઓ આરોપીઓની નજર ચૂકવી વાડીમાંથી ભાગી છૂટ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. 26 ઓક્ટોબરે બપોરે તેઓ હોટલનો સામાન સરખો કરી રહ્યા હતા ત્યારે કુમારે વોટ્સએપ કોલ કરીને ઘટનાની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આરોપ છે.
વરતેજ પોલીસે વિશ્વરાજસિંહ જાડેજા, હરપાલસિંહ સરવૈયા, સિદ્ધરાજસિંહ સરવૈયા, શ્રીપાલસિંહ ગોહિલ, કુમાર ઉર્ફે દિગપાલસિંહ ગોહિલ, મેઘરાજસિંહ વાળા, મયુરસિંહ ગોહિલ, કુમારના ભાઈ ભયલુભાઈ તથા અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પથ્થરમારા અને આગચંપી અંગે અલગ ફરિયાદ
વિશાલભાઈએ વધુ એક ફરિયાદમાં જણાવ્યું છે કે 26 ઓક્ટોબર, 2026ની રાત્રે તેઓ મિત્ર સાથે હોટલે ગયા ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી મળતાં બંને ત્યાંથી ભાગી ગયા હતા.
ત્યારબાદ આશરે નવ શખ્સોએ હોટલમાં પેટ્રોલ છાંટી આગ લગાવી હોવાનો અને લગભગ ₹3 લાખનું નુકસાન કર્યું હોવાનો આક્ષેપ છે. આ ફરિયાદને આધારે પણ વરતેજ પોલીસે અલગ ગુનો નોંધ્યો છે.
