ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં શહેરના વિકાસ અને વહીવટને લગતી 14 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. મેયર ઉષાબેન તલરેજાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં 150 ફૂટ રિંગ રોડ પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપવાનો નિર્ણય લેવાયો. બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે રાજકીય મુદ્દે તીખી બોલાચાલી પણ થઈ હતી.

રવેચી ધામ એરપોર્ટ રોડથી બાલા હનુમાન ચોક થઈ બંદર રોડ તરફ જતા 150 ફૂટ રિંગ રોડ પર પ્રતિમા મૂકવાની દરખાસ્તને મંજૂરી મળી. ટી.પી. સ્કીમ નંબર 20, નારીના જાહેર હેતુ માટેના અંતિમ ખંડ અને રસ્તાના માળખા અંગે પણ સભામાં પરામર્શ કરવામાં આવ્યો.

સિટી બસ અને ટ્રસ્ટીઓની નિમણૂક

સિટી બસ સેવામાં મફત મુસાફરીની યોજનાને કાર્યોત્તર મંજૂરી આપવામાં આવી. ભવિષ્યમાં ખાસ પ્રસંગોએ મફત મુસાફરી આપવી કે નહીં તેનો નિર્ણય લેવાની સત્તા સ્ટેન્ડિંગ કમિટીને સોંપાઈ છે. ગુજરાત સરકારે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરનું સિંગાપોરમાં સ્ટડી વિઝિટ માટે નામ નામાંકિત કર્યું હતું; સભાએ તેને બહાલી આપી.

કૃષ્ણપરા મોક્ષ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટમાં પરેશભાઈ ચૌહાણ અને કસબા અંજુમ ઇસ્લામ ટ્રસ્ટમાં હરેશભાઈ મેણીયાની મ્યુનિસિપલ ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી. શહેરના ચાર રહેણાકીય લીઝ પટ્ટાની મુદત પણ રિન્યૂ કરાઈ.

વહીવટી અને મિલકત સંબંધિત દરખાસ્તો

ખારગેટ પાસે જલારામ મંદિર પાછળ આવેલી 12.81 ચોરસ મીટર જગ્યા મૂલ્યાંકન મુજબની કિંમતે ફાળવવા અંગે કમિશનરના નિર્ણયને મંજૂરી અપાઈ. ફાયર અને ઇમરજન્સી વિભાગનાં વિવિધ સંવર્ગોના પગારધોરણમાં સુધારા તથા ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ સંવર્ગની શૈક્ષણિક લાયકાત અને અનુભવના નિયમોમાં ફેરફાર મંજૂર કરાયા. ફિલ્ટર વિભાગનો વિવિધ પ્રકારનો ભંગાર નિકાલ કરવાની દરખાસ્ત પણ બહાલી પામી.

બેઠક દરમિયાન કુંભારવાડા વોર્ડના કોર્પોરેટર કિશન મેરે ભાજપના આંતરિક મુદ્દે મેયરપદને લઈને કટાક્ષ કર્યો હતો. કાળિયાબીડ વોર્ડનાં કોર્પોરેટર વર્ષાબા પરમારે તેનો વિરોધ કરતાં મામલો મિનિટ્સમાં નોંધવાની માંગ કરી. મેયરે સભ્યોને શાંત રહેવા વિનંતી કરી. ભાજપના કેટલાક સભ્યોએ કોંગ્રેસના નેતૃત્વ અંગે પણ ટીકા કરી હતી.