ભાવનગર જિલ્લાના મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં આ વર્ષે 17 વર્ષની સગીરા સાથે જાતીય શોષણનો ગુનો નોંધાયો હતો. ગર્ભાવસ્થા ચાલુ રાખવાની સ્થિતિમાં તેને પડનારી અસરને ધ્યાનમાં રાખીને, પીડિતાએ પિતા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં ગર્ભપાતની મંજૂરી માગી હતી. અરજી વખતે તે 23 સપ્તાહ અને 4 દિવસની ગર્ભવતી હતી.
કોર્ટના આદેશ બાદ સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ, ભાવનગરના તબીબી બોર્ડે તેની તપાસ કરી હતી. બોર્ડે જણાવ્યું હતું કે તબીબી રીતે ગર્ભપાત શક્ય છે અને પીડિતા તથા તેના વાલીની સંમતિથી MTP એક્ટ હેઠળ પ્રક્રિયા કરી શકાય છે. પીડિતા અને તેના પિતાએ પ્રક્રિયા સાથે સંકળાયેલું જોખમ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી.
હોસ્પિટલમાં તબીબી ટીમની દેખરેખ હેઠળ પ્રક્રિયા
હાઈકોર્ટે ગર્ભપાતની પ્રક્રિયા સત્વરે હાથ ધરવાની મંજૂરી આપી છે. આ માટે હોસ્પિટલમાં ત્રણ વરિષ્ઠ તબીબો, સાયકોલોજિસ્ટ, ફિઝિશિયન અને એનેસ્થેટિકની ટીમ બનાવવાનો આદેશ છે. પીડિતાએ પોતાની જવાબદારી અને જોખમે પ્રક્રિયા કરાવવા અંગે બાંહેધરી આપવાની રહેશે.
કોર્ટના આદેશમાં પીડિતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગર્ભાવસ્થાની અસરનો ઉલ્લેખ છે. અનુચ્છેદ 21 હેઠળ સ્વમાનપૂર્વક જીવવાના અધિકારને ધ્યાનમાં રાખીને, સગીરાને ગર્ભાવસ્થા ચાલુ રાખવા મજબૂર કરવી તેના માનવ અધિકારોના ભંગ સમાન હોવાનું કોર્ટે નોંધ્યું.
DNA તપાસ અને આગળની જવાબદારી
તપાસ માટે જરૂરી પુરાવા જળવાઈ રહે તે હેતુથી, ગર્ભના જરૂરી ટિશ્યુ વૈજ્ઞાનિક પદ્ધતિથી એકત્રિત કરી તપાસ અધિકારીને સોંપવાના રહેશે. FSL અધિકારીએ DNA રિપોર્ટ આઠ અઠવાડિયાની અંદર રજૂ કરવાનો રહેશે. તપાસ અધિકારીને તપાસ સત્વરે પૂરી કરવા પણ નિર્દેશ અપાયો છે.
પ્રક્રિયા દરમિયાન બાળક જીવિત જન્મે તો હોસ્પિટલને તેને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવી પડશે. પીડિતા અથવા તેનો પરિવાર બાળકને સ્વીકારવા તૈયાર ન હોય તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ તેની જવાબદારી સંભાળવાની રહેશે. ચાર્જશીટ દાખલ થયા પછી છ મહિનામાં કેસનો નિકાલ કરવા નીચલી અદાલતને પણ હાઈકોર્ટે જણાવ્યું છે.
