ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા 49 વર્ષીય ડૉ. કિન્નર દેસાઈનો મૃતદેહ ફ્લેટમાંથી મળી આવ્યો હતો. આ ઘટના ટોપ થ્રી સર્કલ નજીક આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટમાં બની હતી.

ડૉ. દેસાઈ છેલ્લા ચાર દિવસથી કોલેજમાં હાજર થયા ન હતા. કોલેજ સત્તાધિકારીઓએ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જવાબ ન મળતાં તેમના ફ્લેટ પર તપાસ કરવામાં આવી હતી. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખોલ્યા બાદ અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો.

માહિતી મળતાં ભરતનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મોતનું ચોક્કસ કારણ જાણવા વિસેરા નમૂના સાચવવામાં આવ્યા છે. તબીબી નિષ્ણાતોએ પ્રાથમિક રીતે હૃદયરોગના હુમલાની શક્યતા વ્યક્ત કરી હોવાનું જણાવાયું છે, જોકે અંતિમ કારણ વિસેરા રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.

પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.