ભાવનગરમાં મતદાર યાદી સુધારણા માટેની Special Summary Revision (SIR) પ્રક્રિયા સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ કાળા વસ્ત્રો પહેરી રેલી યોજી હતી.
રેલીની શરૂઆત જશોનાથ સર્કલ ખાતે આવેલી ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ થઈ હતી. ત્યારબાદ કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ત્યાં ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલને રૂબરૂ મળી આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. કલેક્ટરે પણ કાળા રંગનો શર્ટ પહેર્યો હોવાથી આ દરમિયાન હળવાશની પળો સર્જાઈ હતી.
પૂતળું સળગાવવાનો પ્રયાસ, પોલીસની કાર્યવાહી
આવેદનપત્ર આપ્યા બાદ કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ ચાલુ રાખ્યો હતો. કોંગ્રેસ કાર્યકરોએ પૂતળું સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નિષ્ફળ બનાવ્યો હતો.
ત્યારબાદ કાર્યકરોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ટ્રાફિક વ્યવસ્થાને અસર થઈ હતી. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ વાનમાં બેસાડ્યા હતા.
પારદર્શિતા અને ચોકસાઈની માંગ
કોંગ્રેસે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મતદાર યાદી સાથે જોડાયેલી પ્રક્રિયામાં પારદર્શિતા અને ચોકસાઈ જરૂરી છે. પક્ષના કહેવા મુજબ SIR દરમિયાન સામાન્ય મતદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને કથિત ગેરરીતિ અંગેની શંકા ઊભી થઈ રહી છે.
કોંગ્રેસે માંગ કરી છે કે પાત્ર મતદારોનાં નામ ગેરકાયદે રદ ન થાય, નાગરિકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે અને પ્રક્રિયા અંગેની મૂંઝવણ વહેલી તકે દૂર કરવામાં આવે. વિરોધ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલિયા અને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મુન્નાભાઈ કામલિયા સહિત આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા.
