ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી SynZeal Pharmachem કંપનીમાં 16 ઓક્ટોબરની રાત્રે વિસ્ફોટ થતાં પાંચ કામદારોનાં મોત થયાં છે. પાંચ અન્ય કામદારોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્લાન્ટમાં હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. દુર્ઘટના પછી જિલ્લા વહીવટીતંત્રે કંપનીને તાત્કાલિક કામગીરી બંધ કરવા નોટિસ આપી છે.
અકસ્મતમાં ઇજાગ્રસ્ત થયેલા કામદારો ભરૂચની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહેવાલ મુજબ તેમની સ્થિતિ ગંભીર છે. ઘટના સમયે કારખાનામાં આશરે 20 કામદારો હાજર હતા. વિસ્ફોટ પછી પોલીસ, ફાયર વિભાગ અને વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ધડાકાની અસર આસપાસનાં ઔદ્યોગિક એકમો સુધી
ફાયર વિભાગના અધિકારીઓને ટાંકતા અહેવાલ મુજબ, વિસ્ફોટનો અવાજ આશરે 15 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ધડાકાથી પ્લાન્ટની મશીનરીના ભાગો પરિસરમાં વેરવિખેર થઈ ગયા હતા. નજીકનાં ઔદ્યોગિક એકમોનાં માળખાં પણ હલી ઊઠ્યાં હતાં. કંપનીથી આશરે 200 મીટર દૂર ઊભેલા ટ્રેક્ટરનું ટાયર ફાટ્યું હોવાનું પણ જણાવાયું છે.
મૃતકોની ઓળખ ભાવિક વસાવા, અર્જુન કુમાર, અનિકેત કુમાર, જયદીપ પટેલ અને વૃંદ તલાવિયા તરીકે થઈ છે. ઇજાગ્રસ્તોમાં પ્રિયાંશુ કુમાર, પવન કુમાર, પ્રતીક પ્રજાપતિ, મૌસમ કુમાર અને શિવ દયાલનો સમાવેશ થાય છે.
વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા તપાસ
દુર્ઘટના પછી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગ તથા સ્થાનિક પોલીસની ટીમોએ સ્થળ પર તપાસ શરૂ કરી છે. અધિકારીઓને ટાંકતા અહેવાલ અનુસાર, વિસ્ફોટ પછી મિથિલીન ડાઇક્લોરાઇડ (MDC) ગેસનું લીકેજ પણ થયું હતું. સંયુક્ત તપાસમાં વિસ્ફોટનું ચોક્કસ કારણ શોધવામાં આવી રહ્યું છે.
ભરૂચના કલેક્ટર એન. કે. ગવ્હાણેએ જણાવ્યું હતું કે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. હાઇડ્રોજીનેશન પ્રક્રિયામાં હાઇડ્રોજન ગેસનો ઉપયોગ થતો હોવાની માહિતી તંત્રને મળી છે, પરંતુ અકસ્માત શા માટે થયો તે તપાસ પછી જ સ્પષ્ટ થશે. ઔદ્યોગિક સલામતીના નિયમોનું પાલન થતું હતું કે નહીં તે પણ તપાસનો વિષય છે.
જિલ્લા વહીવટીતંત્રે આગળની કાર્યવાહી માટે પ્રાથમિક તપાસ અહેવાલની રાહ જોવાનું જણાવ્યું છે. ત્યાં સુધી કંપનીની કામગીરી તાત્કાલિક સ્થગિત રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
