દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રસ્તા પર સાઈડ આપવા બાબતે થયેલી બોલાચાલી દરમિયાન છરીના હુમલામાં 20 વર્ષીય વિજય રાજુભાઈ પરમારનું મોત થયું હતું. આ બનાવ 17 ઑક્ટોબરની મોડી રાત્રે રામેશ્વર પ્લોટ વિસ્તાર નજીક બન્યો હતો. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, રામેશ્વર પ્લોટમાં રહેતો વિજય છકડા રિક્ષા લઈને ઘરેથી નીકળ્યો હતો. સબ સ્ટેશન પાસે તેની રિક્ષા અને ઇનાઝ ઇસ્માઈલ ઘુઘાની કાર સામસામે આવતાં રસ્તો આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મોટરસાઇકલ પર આવેલા હુશેન ઉર્ફે ભુટિયો જુમાભાઈ ઘુઘા અને અસલમ ઇશાકભાઈ હિંગોરા પણ ત્યાં પહોંચ્યા હતા. ફરિયાદ પ્રમાણે, ત્રણેયે વિજયને માર માર્યો હતો.
અવાજ સાંભળીને વિજયના પિતા રાજુભાઈ અને માતા સ્થળ પર પહોંચ્યાં હતાં. પિતાએ પુત્રને મારવાનું કારણ પૂછતાં ફરી બોલાચાલી થઈ હતી. ફરિયાદમાં આક્ષેપ છે કે ઇનાઝે ગાળો આપી, વિજયને મારી નાખવાની ધમકી આપી અને છરી કાઢી તેના પર હુમલો કર્યો હતો. માતા-પિતા વચ્ચે પડતાં અન્ય બે આરોપીઓએ તેમને પકડી રાખ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
ઇનાઝે વિજયના પેટમાં છરીનો ઘા માર્યો હતો. બીજો ઘા મારવાનો પ્રયાસ થતાં રાજુભાઈએ છરી પકડવાનો પ્રયાસ કર્યો, જેમાં તેમના બંને હાથમાં ઇજા થઈ હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વિજયનું મોત થયું હતું. બનાવ બાદ ત્રણેય આરોપીઓ વાહનો લઈને ત્યાંથી નીકળી ગયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ભાણવડ પોલીસે રાજુભાઈ પરમારની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિજયનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જામનગરની હોસ્પિટલમાં મોકલાયો હતો.
