બનાસકાંઠાના ભાભર બાર એસોસિએશને ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં 5 ઓક્ટોબર, 2026થી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એસોસિએશનની જનરલ બેઠકમાં વિધેયક સામે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
બાર એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા મુજબ, ભાડા વિધેયક અંગે વકીલ મંડળે સરકાર સમક્ષ રજૂ કરેલી વિવિધ માંગણીઓ અને સૂચનો પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. વકીલોના હિતોનું રક્ષણ કરવા અને વિધેયકમાં જરૂરી સુધારા-વધારા કરવાની માંગ સાથે ભાભર બાર એસોસિએશને રાજ્યવ્યાપી વિરોધમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
કોર્ટની કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય
ઠરાવ મુજબ, ભાભરના તમામ વકીલો 5 ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દત સુધી કોર્ટની તમામ કામગીરીથી દૂર રહેશે. હડતાળ દરમિયાન વકીલો કોર્ટમાં હાજર નહીં રહેતાં કેસોની સુનાવણી અને અન્ય કાનૂની કાર્યવાહી પર અસર થવાની શક્યતા છે.
પક્ષકારોને નુકસાન ન થાય તે માટે એસોસિએશને કોર્ટ સમક્ષ ખાસ વિનંતી કરી છે. હડતાળના સમયગાળા દરમિયાન કોઈ પણ પક્ષકાર વિરુદ્ધ પ્રતિકૂળ હુકમ, વોરંટ કે નોટિસ જેવી કાર્યવાહી હાથ ન ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિધેયકમાં સુધારાની માંગ
વકીલ મંડળની મુખ્ય માંગ છે કે સરકાર ભાડા વિધેયક અંગે કરવામાં આવેલી રજૂઆતોને ગંભીરતાથી લે અને જરૂરી સુધારા કરે. રાજ્યના અન્ય બાર એસોસિએશનોની જેમ ભાભર બાર એસોસિએશને પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. રાજ્યભરમાં વકીલો દ્વારા વિધેયકની કેટલીક જોગવાઈઓ સામે વિરોધ અને કોર્ટ કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના અહેવાલો છે.
અનિશ્ચિત હડતાળને કારણે ભાભર કોર્ટ સંકુલમાં આગામી દિવસોમાં કામગીરી પર અસર પડી શકે છે અને અસીલોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
