અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા તાલુકાના ભાયલા ટોલટેક્સ નજીક કેરાળા જીઆઈડીસી પોલીસે કાર્યવાહી કરીને ટ્રકમાંથી રૂ. 40.90 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો છે. આ કેસમાં રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ રૂ. 61.02 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે ટાટા ટ્રકને રોકવામાં આવ્યો હતો. ટ્રકની તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 28,850 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની બજાર કિંમત રૂ. 40,90,390 આંકવામાં આવી છે.
ટ્રક ચાલકની ધરપકડ
પોલીસે ગોકલારામ પદ્મારામ જાટની ધરપકડ કરી છે. તેની ઉંમર 30 વર્ષ હોવાનું અને તે રાજસ્થાનના બાડમેરનો રહેવાસી હોવાનું જણાવાયું છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 40.90 લાખનો દારૂ, રૂ. 20 લાખનો ટ્રક, બે મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 61.02 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.
બે વોન્ટેડ આરોપીઓની શોધખોળ
કેરાળા જીઆઈડીસી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તેની તપાસ ચાલી રહી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય બે વોન્ટેડ આરોપીઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.
