ગુજરાત સરકારે બરડા વન્યજીવ અભયારણ્ય અને તેની આસપાસના ઇકો-સેન્સિટિવ ઝોનમાં રહેતા માલધારી પરિવારો માટે સ્વૈચ્છિક કાયમી સ્થળાંતરની યોજના જાહેર કરી છે. પોરબંદરમાં 1 ઑક્ટોબરે યોજાયેલા 77મા વન મહોત્સવ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.

સરકારના જણાવ્યા અનુસાર, બરડા વિસ્તારમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધતી હોવાથી સિંહો અને અન્ય વન્યજીવો માટે વધુ અનુકૂળ રહેઠાણ ઊભું કરવું આ યોજનાનો મુખ્ય હેતુ છે. જંગલની અંદર માનવ વસવાટ અને પશુધનથી સર્જાતું પર્યાવરણીય દબાણ ઘટાડવા તથા માનવ-વન્યજીવ સંઘર્ષના બનાવો ઓછા કરવા માટે પણ સ્થળાંતરને મહત્વ આપવામાં આવ્યું છે.

માલધારીઓને પેકેજમાં શું મળશે?

જો કોઈ માલધારી પરિવાર સ્વૈચ્છિક રીતે બરડા અભયારણ્યની બહાર વસવાટ કરશે, તો તેને 15 લાખ રૂપિયા પ્રોત્સાહન રકમ તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત મકાન બાંધવા માટે 100 ચોરસ વારનો પ્લોટ વિનામૂલ્યે ફાળવવામાં આવશે.

માલધારી પરિવાર પશુઓ રાખવા માટે વધુ 100 ચોરસ વારના પ્લોટની માગણી કરી શકશે. આ પ્લોટ બજાર કિંમતે ફાળવવામાં આવશે, પરંતુ તેની રકમ પરિવારને રોકડમાં ચૂકવવાની રહેશે નહીં. સરકાર આ ખર્ચ 15 લાખ રૂપિયાની પ્રોત્સાહન રકમમાંથી કાપશે.

સ્થળાંતર કરનારા પરિવારોને રાજ્ય સરકારની અન્ય યોજનાઓ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને વિકાસલક્ષી સુવિધાઓનો લાભ આપવાની વાત પણ કરવામાં આવી છે. યોજનાના અમલીકરણ માટે પોરબંદરમાં જિલ્લા કક્ષાની અને ગાંધીનગરમાં રાજ્ય કક્ષાની સમિતિ બનાવવામાં આવી છે.

બરડામાં કેટલા માલધારી પરિવાર રહે છે?

વન વિભાગના સર્વે અનુસાર, બરડામાં હાલમાં 40 નેસમાં 164 માલધારી પરિવારો રહે છે. આ પરિવારો આશરે 2,328 ગાય-ભેંસોનું પાલન કરે છે. પાત્ર લાભાર્થીઓની ઓળખ માટે નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથૉરિટી (NTCA) દ્વારા ઉપયોગમાં લેવાતી પરિવારની વ્યાખ્યા ધ્યાનમાં લેવાની સરકારની યોજના છે.

આ વ્યાખ્યા મુજબ પતિ, પત્ની અને તેમના પર નિર્ભર સગીર સંતાનો તથા અન્ય નિર્ભર સભ્યોને એક પરિવાર ગણવામાં આવે છે. જોકે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો અવિવાહિત દીકરો કે દીકરી અલગ પરિવાર ગણાય છે. દિવ્યાંગ સંતાનો, ભાઈ-બહેનો, અનાથ બાળકો, વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓને પણ અલગ પરિવાર તરીકે ગણવાની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સિંહો માટે બરડો વિકલ્પરૂપ રહેઠાણ

બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે અને આશરે 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અતિશય શિકાર અને જંગલોના નાશ બાદ 1879 સુધીમાં અહીંથી સિંહો ગાયબ થઈ ગયા હતા.

ગીર બહાર સિંહો માટે વિકલ્પરૂપ વિસ્તાર તૈયાર કરવાની પ્રક્રિયાના ભાગરૂપે 2012થી બરડામાં સંવર્ધન અને પર્યાવરણીય વ્યવસ્થાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 2023માં ગીર વિસ્તાર તરફથી ભટકતો એક નર સિંહ બરડા અભયારણ્યમાં પહોંચ્યો હતો. મે 2025ની સિંહ વસ્તી ગણતરીમાં બરડા વિસ્તારમાં છ પુખ્ત સિંહો અને 11 બચ્ચાં સહિત કુલ 17 સિંહોની હાજરી નોંધાઈ હતી.

માલધારીઓની મુખ્ય માગ શું છે?

માલધારીઓનું કહેવું છે કે 15 લાખ રૂપિયાનું પેકેજ મોટા પરિવારો માટે પૂરતું નથી. તેઓ જમીન સામે જમીન આપવા, વધુ આર્થિક સહાય આપવા અને પુનઃવસન પછી આજીવિકાની વ્યવસ્થા કરવાની માગ કરી રહ્યા છે. કેટલાક પ્રતિનિધિઓએ પરિવારદીઠ 60 લાખથી એક કરોડ રૂપિયા તથા 20 વીઘા જમીનની માગણી કરી હોવાનું જણાવાયું છે.

માલધારીઓએ એ બાબત અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે કે નેસને ગામનો દરજ્જો ન હોવાથી સરકારી દસ્તાવેજોમાં પરિવાર અને સરનામાં અંગે ગૂંચવણ રહે છે. કેટલાક માલધારીઓના જણાવ્યા અનુસાર, એક જ રેશનકાર્ડમાં અનેક પેઢીના સભ્યોનાં નામ નોંધાયેલા છે.

વન્યજીવ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતોએ સરકારને પેકેજ વધુ આકર્ષક બનાવવા, પરિવારની વ્યાખ્યા અંગે સ્પષ્ટ માહિતી આપવા અને સ્થળાંતર બાદ રોજગારની વ્યવસ્થા કરવાની સલાહ આપી છે. તેમનું માનવું છે કે આખા નેસનું સ્થળાંતર થાય અને પરિવારોને ડેરી સહિતની આજીવિકા માટે સહાય મળે તો યોજના વધુ અસરકારક બની શકે છે.