ગુજરાત સરકારે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બરડા વન્યજીવ અભયારણ્ય તથા તેની આસપાસના ઇકો-સેન્સિટિવ ઝોનમાં રહેતા માલધારી પરિવારો માટે સ્વૈચ્છિક પુનઃવસન યોજના જાહેર કરી છે. 1 ઑક્ટોબરે પોરબંદરમાં યોજાયેલા 77મા વન મહોત્સવ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.

સરકારના જણાવ્યા અનુસાર, બરડા વિસ્તારમાં એશિયાટિક સિંહોની હાજરી વધતાં વન્યજીવો માટે અનુકૂળ રહેઠાણ ઊભું કરવું અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવો યોજનાનો મુખ્ય હેતુ છે. જંગલની બહાર વસવાટ કરનારા માલધારીઓને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને અન્ય વિકાસલક્ષી સુવિધાઓનો વધુ સારો લાભ મળે તેવો સરકારનો દાવો છે.

પુનઃવસન પૅકેજમાં શું મળશે?

રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે, બરડાનું જંગલ છોડીને અભયારણ્યની બહાર સ્વૈચ્છિક રીતે વસવાટ કરનાર દરેક પાત્ર માલધારી પરિવારને 15 લાખ રૂપિયા પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. પરિવારને રહેણાક મકાન બાંધવા માટે 100 ચોરસ વારનો પ્લૉટ વિનામૂલ્યે ફાળવવામાં આવશે.

પશુઓ રાખવા માટે માલધારી પરિવાર 100 ચોરસ વારના વધારાના પ્લૉટની માંગણી પણ કરી શકશે. આ પ્લૉટ બજાર કિંમતે ફાળવાશે, પરંતુ તેની રકમ રોકડમાં ચૂકવવાની રહેશે નહીં. સરકાર આ રકમ પરિવારને મળનારી 15 લાખ રૂપિયાની પ્રોત્સાહન રકમમાંથી કાપશે. આ ઉપરાંત પરિવારોને રાજ્ય સરકારની અન્ય યોજનાઓ હેઠળ શિક્ષણ, આરોગ્ય અને રોજગાર સંબંધિત લાભો આપવાની વાત પણ કરવામાં આવી છે.

યોજનાના અમલીકરણ માટે પોરબંદરમાં જિલ્લા કક્ષાની અને ગાંધીનગરમાં રાજ્ય કક્ષાની સમિતિ રચવામાં આવી છે. પાત્ર પરિવારોની ઓળખ માટે નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથૉરિટી દ્વારા વપરાતી પરિવારની વ્યાખ્યા ધ્યાનમાં લેવાની સરકારની યોજના છે. તેમાં પતિ, પત્ની અને નિર્ભર સગીર બાળકો ઉપરાંત 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના અવિવાહિત પુત્ર કે પુત્રીને અલગ પરિવાર તરીકે ગણવાની જોગવાઈ છે. દિવ્યાંગ સંતાનો, ભાઈ-બહેનો, અનાથ બાળકો તથા વિધવા કે છૂટાછેડા લીધેલી મહિલાઓને પણ અલગ પરિવાર ગણવામાં આવે છે.

બરડામાં 164 માલધારી પરિવારો

વન વિભાગના સર્વે અને માર્ચ 2025માં મોકલાયેલી ભલામણો અનુસાર, બરડાના 40 નેસમાં 164 માલધારી પરિવારો રહે છે. તેઓ આશરે 2,328 ગાય-ભેંસોનું પાલન કરીને જીવન ગુજારે છે. ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડનની ભલામણમાં છેલ્લાં ત્રણ વર્ષમાં મસવાડી ભરનારા માલધારીઓને પ્રથમ તબક્કામાં લાભ આપવાની વાત પણ કરવામાં આવી હતી.

મસવાડી પશુ ચરાવવા બદલ વસૂલવામાં આવતો કર હતો. તેની પહોંચ માલધારીઓ માટે જંગલમાં વસવાટ અને કેટલાક પરંપરાગત અધિકારોના પુરાવા તરીકે ઉપયોગી રહી છે.

માલધારીઓ વધુ સહાયની માંગ કરી રહ્યા છે

માલધારી લખનભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર, મોટા પરિવારો માટે 15 લાખ રૂપિયા પૂરતા નથી. તેમણે કહ્યું કે અનેક પરિવારોના સરકારી રેકૉર્ડમાં સરનામાં અને રૅશનકાર્ડની વિસંગતતા છે. એક જ રૅશનકાર્ડમાં ત્રણ પેઢીના દસ-બાર કે તેથી વધુ સભ્યોનાં નામ હોય ત્યારે કુટુંબદીઠ સહાયનો આંકડો અપૂરતો રહે છે. તેમની માંગ છે કે રોકડ સહાય ઉપરાંત અન્ય સ્થળે જમીન આપવામાં આવે.

જામ બરડામાં 1985-86થી મસવાડી બંધ હોવાનું પણ તેમણે જણાવ્યું. તેમના મતે, શિક્ષણ અને ભવિષ્ય માટે કેટલાક માલધારીઓ પહેલેથી જ જંગલની નીચે આવેલા ગામોમાં રહેવા લાગ્યા છે અને આવા પરિવારોને યોજનામાં કેવી રીતે સામેલ કરાશે તે સ્પષ્ટ થવું જોઈએ.

બરડાના વતની અને દિલ્હી યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર ડૉ. રામ રાળાએ પરિવારદીઠ 60 લાખથી એક કરોડ રૂપિયા તથા 20 વીઘા જમીનની માંગણીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે નર્મદા યોજનાના વિસ્થાપિતો માટે અપાયેલા પુનઃવસન પૅકેજ જેવી વધુ ઉદાર સહાયની માંગ કરી છે. તેમના મતે, જંગલની બહાર ગયા બાદ માલધારીઓને મળતી અનુસૂચિત જનજાતિ તરીકેની ઓળખ અને તેના આધારે મળતા લાભો અંગે પણ સરકારને સ્પષ્ટતા કરવી જોઈએ.

ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય ભૂષણ પંડ્યાના મતે, માત્ર વ્યક્તિગત પરિવારો નહીં પરંતુ આખા નેસનું સ્થળાંતર થાય ત્યારે જ યોજના વધુ અસરકારક બની શકે. તેમણે પૅકેજ અંગે માલધારીઓને સ્પષ્ટ માહિતી આપવા, પશુપાલન અને ડેરી માટે સરળ શરતો પર લોન જેવી વ્યવસ્થા વિચારવા તથા સ્થળાંતર બાદ આજીવિકાના વિકલ્પો સુનિશ્ચિત કરવાની જરૂરિયાત દર્શાવી છે.

બરડામાં સિંહોના સંરક્ષણ માટેની તૈયારીઓ બાદ 2023માં લાંબા સમય પછી ખુલ્લા જંગલમાં સિંહની હાજરી નોંધાઈ હતી. મે 2025ની ગણતરીમાં બરડા વિસ્તારમાં છ પુખ્ત સિંહો અને 11 બચ્ચાં સહિત કુલ 17 સિંહો નોંધાયા હતા. હવે સંરક્ષણના હેતુ અને માલધારીઓના હકો વચ્ચે સંતુલન જાળવી યોજના કેવી રીતે અમલમાં આવે છે તે મહત્વનું રહેશે.