ગૌવંશની સુરક્ષા અને ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે યોજાયેલા ગૌ સન્માન આહવાનના સમર્થનમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાનાં વિવિધ સ્થળોએ વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. શુક્રવારે ભાભર, થરા, થરાદ, વાવ, શિહોરી, નવી ભીલડી અને ધાનેરામાં દુકાનો બંધ રાખવામાં આવી હતી. ગાંધીનગરના અડાલજ ખાતેના સંમેલનમાં જોડાવા બંને જિલ્લામાંથી ગૌસેવકો અને આગેવાનો પણ પહોંચ્યા હતા.

અભિયાનમાં ગૌવંશના રક્ષણ માટે અલગ ગૌસેવા મંત્રાલય રચવાની માંગ પણ કરવામાં આવી હતી. ધાનેરામાં વેપારીઓએ બંધ પાળવાની સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ, ગૌવંશનું રક્ષણ અને ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માંગણીઓ રજૂ કરાઈ હતી.

થરામાં વેપારી અને કેમિસ્ટ સંગઠનો જોડાયાં

થરામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વેપારી એસોસિએશન, થરા એપીએમસી અને લોકલ કેમિસ્ટ એસોસિએશન સહિતનાં સંગઠનોએ બંધને સમર્થન આપ્યું હતું. ભાભરમાં પણ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. શિહોરી અને કંબોઈમાં બજારો બંધ રહ્યાં હતાં, જ્યારે નવી ભીલડીમાં વેપારી એસોસિએશન બંધમાં જોડાયું હતું.

વાવમાં મુખ્ય બજારો બંધ રહ્યાં હતાં. અહેવાલ મુજબ, અહીં હિન્દુ વેપારીઓની સાથે મુસ્લિમ સમાજના લોકોએ પણ સ્વૈચ્છિક બંધમાં ભાગ લીધો હતો. થરાદના ગૌસેવકો અને વેપારી આગેવાનો ગાંધીનગરના સંમેલનમાં જોડાયા હતા. સ્થાનિક વેપારી એસોસિએશને પણ અભિયાનને ટેકો આપ્યો હતો.

માલગઢથી ખેડૂતો અને વેપારીઓ ગાંધીનગર ગયા

ડીસા તાલુકાના માલગઢથી ગૌસેવકો, ખેડૂતો અને વેપારીઓ બસ મારફતે ગાંધીનગર જવા રવાના થયા હતા. નવી ભીલડીથી પણ ગૌસેવકો ગાંધીનગરની રેલીમાં જોડાયા હતા. માલગઢથી નીકળેલા લોકોનું મોટા ગામના પાટિયે એસ.ટી. કર્મચારીઓએ ગુલાબનાં ફૂલ અને કંકુતિલકથી સ્વાગત કર્યું હતું અને નાસ્તાની વ્યવસ્થા કરી હતી.

ગૌપ્રેમીઓના જણાવ્યા અનુસાર, શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ ચાર તબક્કામાં સરકારને પ્રાર્થનાપત્ર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વેપારીઓએ બજારો બંધ રાખીને અને ધાનેરામાં આવેદનપત્ર રજૂ કરીને આ માંગણીઓને સમર્થન આપ્યું હતું.