બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના છ વિધાનસભા વિસ્તારોમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. આદિજાતિ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રે સંયુક્ત રીતે યોજેલા કાર્યક્રમોનો હેતુ આદિવાસી સમાજનો ઇતિહાસ, સંસ્કૃતિ અને રાષ્ટ્રનિર્માણમાં તેના યોગદાનની જાણકારી લોકો સુધી પહોંચાડવાનો હતો. 15 નવેમ્બરે દેશભરમાં જનજાતીય ગૌરવ દિવસ મનાવવામાં આવે છે.
દાંતા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ
દાંતા સ્થિત આદર્શ નિવાસી શાળા (કુમાર)માં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે તેની અધ્યક્ષતા કરી હતી.
કાંકરેજના નાણોટા પ્રાથમિક શાળામાં રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈ, કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસંગ પરમાર અને ઓગડ તાલુકા પંચાયત પ્રમુખ નિતા ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતાં.
ધાનેરા, ડીસા, પાલનપુર અને વડગામમાં કાર્યક્રમો
ધાનેરાના જડિયા સ્થિત વિવેકાનંદ વિદ્યાલયના કાર્યક્રમમાં સાંસદ મયંક નાયક, ધારાસભ્ય માવજી દેસાઈ, ધાનેરા તાલુકા પંચાયત પ્રમુખ રીન્કુ ઠાકોર અને દાંતીવાડા તાલુકા પંચાયત પ્રમુખ જશુબા વાઘેલા હાજર રહ્યાં હતાં.
ડીસાના કંસારી સ્થિત ગોવર્ધન કોલ્ડ સ્ટોરેજમાં ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ બબી ચૌધરી અને ડીસા તાલુકા પંચાયત પ્રમુખ ઉષા ડાભી જોડાયાં હતાં. પાલનપુરના છાપરા પ્રાથમિક શાળામાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રધાનજી રાઠોડ હાજર રહ્યાં હતાં. વડગામના જલોત્રા પ્રાથમિક શાળામાં ધારાસભ્ય સરદાર ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ અનુ પટેલ અને જિલ્લા પંચાયત દંડક આંચલ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમોમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીપત્રો, કિટ અને સહાય અપાઈ હતી. શિક્ષણ, રમતગમત, કલા-સંસ્કૃતિ અને સામાજિક સેવામાં સિદ્ધિ મેળવનારા આદિવાસી નાગરિકો તથા વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ અને વિકાસનાં કામો દર્શાવતી ટૂંકી દસ્તાવેજી ફિલ્મ રજૂ કરાયા બાદ ઉપસ્થિત લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
