અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે આવેલા ચેકડેમમાં ડૂબી જતાં ચાર યુવકોનાં મોત થયાં છે. મળતી માહિતી મુજબ, ચારેય યુવકો ચેકડેમમાં નાહવા ગયા હતા અને આ દરમિયાન પાણીમાં ડૂબી ગયા હતા.

ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે ગણેશ વિસર્જન માટે ગયેલા લોકોને ચેકડેમના કાંઠે યુવકોનાં કપડાં જોવા મળ્યાં. શંકા જતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને ચેકડેમમાં શોધખોળ હાથ ધરી હતી.

બે યુવકો મોટા દેવળિયા અને બે નવાગઢના

મૃતકોમાં કનુભાઈ દેવજીભાઈ શિંગાળા અને સચિનભાઈ કાળુભાઈ શિંગાળા, બંને મોટા દેવળિયાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભલા પ્રવીણભાઈ જેઠવા અને કેવિન પ્રવીણભાઈ જેઠવા, બંને નવાગઢ, જેતપુરના રહેવાસી હતા.

માહિતી મુજબ, નવાગઢના બંને યુવકો મોટા દેવળિયા ખાતે તેમના મામાના ઘરે આવ્યા હતા. સ્થાનિકોની મદદથી ચારેયને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ચારેય યુવકો વાલ્મિકી સમાજના હોવાનું જણાવાયું છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી છે.