ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ફરી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. રોડની PQC (Pavement Quality Concrete) બ્લોક પેનલ જર્જરિત થતાં ક્ષતિગ્રસ્ત ભાગને તોડી નવી પેનલ બેસાડવાની કામગીરી હાથ ધરાઈ છે. કામને કારણે ભરૂચથી સુરત તરફ જતો વાહનવ્યવહાર હાલમાં બે લેનમાં ચલાવવામાં આવી રહ્યો છે, જેના કારણે વાહનચાલકોને ધીમી ગતિ અને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ રોડની કેટલીક પેનલમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સમારકામ દરમિયાન વાહનોને નિયંત્રિત રીતે પસાર કરવામાં આવી રહ્યા છે. આ માર્ગખંડના વારંવાર થતા સમારકામને કારણે તેની બાંધકામ ગુણવત્તા અને જાળવણી વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે.
કિમ-ભરૂચ માર્ગખંડમાં અગાઉ પણ ખામીઓ
આ વર્ષે માર્ચમાં કિમ અને ભરૂચ વચ્ચેના સિમેન્ટ-કોંક્રિટ રોડ પર અનેક સ્થળોએ તિરાડો અને ગેપ જોવા મળ્યા હતા. ત્યારબાદ NHAI દ્વારા ક્ષતિગ્રસ્ત પેનલ કાપીને નવી પેનલ મૂકવાની કામગીરી કરવામાં આવી હતી. કિમ-ભરૂચનો સંબંધિત માર્ગખંડ અગાઉથી જ વિકાસ હેઠળનો અને તબક્કાવાર રીતે ઉપયોગમાં લેવાતો હોવાની NHAIની સ્પષ્ટતા પણ સામે આવી હતી.
જુલાઈમાં અંકલેશ્વર નજીક અડોલ અને પિલુદ્રા ગામ વચ્ચે આવેલા બ્રિજના કોંક્રિટ ભાગને મોટું નુકસાન થયું હતું. રોડ પર આશરે 7થી 8 ફૂટનો ગેપ સર્જાયો હતો અને સ્ટીલના સળિયા બહાર આવી ગયા હતા. આ ગેપ સાથે અથડાતાં એક ટેમ્પો પલટી ગયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
ઉચ્ચ સ્તરીય તપાસની માંગ
ટૂંકા સમયગાળામાં રોડ પેનલ અને બ્રિજના ભાગોમાં વારંવાર નુકસાનની ઘટનાઓ સામે આવતા માર્ગની ગુણવત્તા અંગે સ્થાનિક સ્તરે ચિંતા વ્યક્ત થઈ રહી છે. સમારકામ પૂરતું છે કે બાંધકામ અને ડિઝાઇનની પણ તપાસ જરૂરી છે, તે અંગે ઉચ્ચ સ્તરીય તકનિકી તપાસની માંગ ઉઠી છે. હાલનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનચાલકોને નિયંત્રિત લેનમાં સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની જરૂર રહેશે.
