ભરૂચ એસ.ટી. વિભાગના અંકલેશ્વર ડેપો દ્વારા ચલાવાતી અંકલેશ્વર-અંબાજી બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. ઉમલ્લા ગામે રસ્તાનું કામ ચાલતું હોવાથી આ બસ લાંબા સમયથી બંધ હતી. તેના કારણે ઉમલ્લા, માલસર, શિનોર અને સાધલીના મુસાફરો તથા અંબાજી જતા માઈભક્તોને સીધી બસ મળતી નહોતી. મુસાફરોએ છૂટક મુસાફરી કરવી પડતી હોવાથી સમય અને ખર્ચ બંને વધતા હતા.

બસ અંકલેશ્વર ડેપોથી સવારે 6:30 વાગ્યે ઉપડે છે અને ઉમલ્લા, માલસર, શિનોર, સાધલી, વડોદરા, અમદાવાદ, હિંમતનગર તથા ઈડર થઈને બપોરે 3:45 વાગ્યે અંબાજી પહોંચે છે. આ જ બસ સવારે 8 વાગ્યે સાધલી બસ સ્ટેન્ડે આવે છે, જ્યાંથી મુસાફરો અંબાજી જઈ શકે છે.

બસ ફરી શરૂ થતાં મુસાફરો અને માઈભક્તોએ ભરૂચ વિભાગીય નિયામક સંજય જોષી તથા અંકલેશ્વર ડેપો મેનેજરનો આભાર માન્યો છે. મુસાફરોની માગ છે કે અંબાજી-અંકલેશ્વર રૂટ પર આ બસ સેવા કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવે.