કચ્છના અંજાર પંથકમાં વિદેશી દારૂ ભરેલી કાર પોલીસથી બચવા માટે પૂરઝડપે હંકારી જતાં નાળામાં ખાબકી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કારચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકની ઓળખ ભચાઉ તાલુકાના ચોપડવા ગામના ડેવિડ રાયધણ મણકા (સંઘાર), ઉંમર 25 વર્ષ, તરીકે થઈ છે.
અંજાર પોલીસની ટીમ રાત્રિના નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે સતાપર ફાટક પાસેથી વિદેશી દારૂ ભરેલી સફેદ કાર પસાર થવાની બાતમી મળી હતી. પોલીસ કર્મચારીઓ ખાનગી વાહનમાં ફાટક નજીક પહોંચ્યા હતા. તે સમયે શંકાસ્પદ કાર ત્યાં આવી, પરંતુ રેલવે ફાટક બંધ હોવાથી ચાલકે કાર સતાપર ગામ તરફ વાળી દીધી હતી.
પોલીસે કારનો પીછો કર્યો હતો. જોકે, અંધારાનો લાભ લઈ ચાલક પૂરઝડપે કાર હંકારીને આગળ નીકળી ગયો હતો. ત્યારબાદ લાખાપર ગામના ગ્રામજનોએ શ્રીકૃષ્ણ ગૌશાળા નજીક એક કાર નાળામાં ખાબક્યાની જાણ પોલીસને કરી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જીજે-01 ડબલ્યુસી-6972 નંબરની સફેદ કાર ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.
કારમાંથી દારૂની 55 બોટલો મળી
અકસ્મતમાં કારનો આગળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત થયો હતો. પાછળની સીટમાં દારૂની પેટીઓ અને તૂટેલી બોટલો પડેલી હતી. કારમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં મળેલા ચાલકને ગ્રામજનોની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.
પોલીસે ક્રેનની મદદથી કારને નાળામાંથી બહાર કાઢી તેની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 55 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 31,000 હોવાનું જણાવાયું છે. ઘટનાસ્થળેથી તૂટેલી નંબર પ્લેટ, ‘પોલીસ’ લખેલી બીજી પ્લેટ અને તૂટેલો મોબાઈલ ફોન પણ મળ્યો હતો.
બોગસ નંબર પ્લેટ અંગે તપાસ
પોલીસની પ્રાથમિક તપાસમાં ડેવિડ મણકા ભચાઉ પંથકનો લિસ્ટેડ બૂટલેગર હોવાનું સામે આવ્યું છે. તેની સામે ભચાઉ, સામખિયાળી સહિતના પોલીસ મથકોમાં અગાઉ પ્રોહિબિશન સંબંધિત અનેક કેસ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
અંજારના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના જણાવ્યા અનુસાર, કાર પર લગાવાયેલી નંબર પ્લેટ બોગસ હોવાનું ખુલ્યું છે. પોલીસે અકસ્માતે મોત અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાર પર ‘પોલીસ’ લખેલી પ્લેટ શા માટે રાખવામાં આવી હતી અને દારૂનો જથ્થો ક્યાં લઈ જવાતો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
