આણંદ-બોરસદ માર્ગ પર વાંસખીલીયા ગામની સીમમાં એક રિસોર્ટ નજીક બે બાઈક સામસામે અથડાતાં ત્રણ યુવકોના મોત થયા હતા. અકસ્માતમાં અન્ય ત્રણ યુવકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

મોડી રાત્રે બનેલા આ અકસ્માતમાં બંને મોટરસાયકલને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોમાં અરમાન રાણા, સમીર રાણા અને અંસાર ઝુબેર બેલીમનો સમાવેશ થાય છે. અહેવાલો મુજબ અકસ્માતમાં સંકળાયેલા યુવકો બોરસદ તાલુકાના નાપાવાંટા ગામ સાથે સંબંધિત હતા.

પોલીસ તપાસ શરૂ

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધ્યો છે. બંને બાઈક કયા સંજોગોમાં સામસામે અથડાઈ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.