અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના અરજણસુખ ગામમાં પાંચ લોકોને ઘાયલ કરનાર કિશોર વયની સિંહણનું ક્રાકચ વાઇલ્ડલાઇફ રૅસ્ક્યૂ સેન્ટરમાં મોત થયું છે. વન વિભાગને સિંહણના અસામાન્ય અને સતત આક્રમક વર્તનને કારણે તેને હડકવા થયો હોવાની પ્રાથમિક આશંકા છે. જોકે, મોતનું કારણ અને હડકવાના ચેપની પુષ્ટિ માટે સૅમ્પલ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા છે અને લૅબોરેટરી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આ ઘટના પહેલી ઑક્ટોબરની રાત્રે બની હતી. મોટરસાઇકલ પર જઈ રહેલા બે યુવાનો પર સિંહણે હુમલો કર્યો હતો. બંને ઘાયલ થયા બાદ બીજા દિવસે સવારે એ જ સિંહણે અલગ-અલગ વાડીમાં કામ કરતા બે અન્ય પુરુષો પર હુમલો કર્યો હતો. સિંહણને શોધવા ગયેલા વન વિભાગના ત્રણ સ્થાનિક કર્મચારીઓમાંથી અનિરુદ્ધ વાળા નામના ગાર્ડ પર પણ તેણે હુમલો કર્યો હતો. આમ, 24 કલાકથી ઓછા સમયમાં પાંચ લોકો ઘાયલ થયા હતા.

સિંહણને પકડવાની કામગીરી પડકારજનક બની

વન વિભાગે સિંહણને શોધવા માટે વધારાનો સ્ટાફ તહેનાત કર્યો હતો. રૅસ્ક્યૂ ટીમે તેને પકડીને અમરેલીના લીલિયા તાલુકામાં આવેલા ક્રાકચ વાઇલ્ડલાઇફ રૅસ્ક્યૂ સેન્ટરમાં ખસેડી હતી. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રૅસ્ક્યૂ દરમિયાન સિંહણના હુમલામાં સ્ટાફના એક સભ્યને ઈજા થઈ હતી. ત્યાર બાદ ટીમ વાહનમાં રહીને સિંહણનું પગેરું દાબતી રહી અને યોગ્ય તક મળતાં પશુચિકિત્સકે દૂરથી ઇન્જેક્શન આપીને તેને બેભાન કરી હતી.

પાંજરામાં રાખ્યા બાદ સિંહણ ભાનમાં આવી હતી અને તેને અવલોકન હેઠળ રાખવામાં આવી હતી. જોકે, રૅસ્ક્યૂ કરાયાના આશરે 20 કલાક બાદ તેનું મોત થયું. વન વિભાગના નાયબ વનસંરક્ષક ચિરાગ અમીનના જણાવ્યા અનુસાર, સિંહણની ઉંમર બે થી ત્રણ વર્ષની હોવાનો અંદાજ હતો. સામાન્ય રીતે ગીરના સિંહો માણસો પર હુમલો કરતા નથી. જોકે, કોઈ વ્યક્તિ સિંહની પજવણી કરે, ખૂબ નજીક જાય, સંવનન દરમિયાન ખલેલ પહોંચાડે અથવા બચ્ચાંવાળી સિંહણની નજીક જાય તો હુમલો થઈ શકે છે. અરજણસુખની ઘટનામાં થોડા કલાકોમાં પાંચ લોકો પર હુમલો થવો અને ત્યાર બાદ પણ સિંહણનું આક્રમક રહેવું અસામાન્ય માનવામાં આવ્યું છે.

સિંહને હડકવા કેવી રીતે થઈ શકે?

નિવૃત્ત પશુચિકિત્સક ડૉ. છગનલાલ ભૂવાના જણાવ્યા અનુસાર, હડકવા વાઇરસથી થતો રોગ છે, જે સ્તનધારી પ્રાણીઓમાં ફેલાઈ શકે છે. વાઇરસ સામાન્ય રીતે લાળના સંપર્કથી ફેલાય છે. ચેપગ્રસ્ત પ્રાણી અન્ય પ્રાણીને કરડે અથવા ચેપગ્રસ્ત પ્રાણીનું એંઠું અન્ય પ્રાણી ખાય તો સંક્રમણની શક્યતા રહે છે. હડકવાથી મૃત્યુ પામેલા પ્રાણીને કોઈ માંસાહારી પ્રાણી ખાય તો પણ ચેપ લાગવાની સંભાવના રહે છે.

હડકવાનો વાઇરસ ચેતાતંત્ર મારફતે મગજ સુધી પહોંચે છે. તેના કારણે મગજમાં સોજો આવી શકે છે અને પ્રાણીનું વર્તન બદલાઈ શકે છે. ચીડિયાપણું, આક્રમકતા, મોઢામાંથી લાળ પડવી, અન્ય પ્રાણીઓને બચકાં ભરવા અને પાણીથી દૂર ભાગવા જેવા લક્ષણો જોવા મળી શકે છે.

ડૉ. ભૂવાએ જણાવ્યું હતું કે સિંહને હડકવા થવો શક્ય છે, પરંતુ તે અત્યંત વિરલ ઘટના છે. ગીર વિસ્તારમાં કૂતરાં સામાન્ય રીતે સિંહોથી દૂર રહે છે, તેથી કૂતરાં મારફતે સીધો ચેપ ફેલાવાની શક્યતા ઓછી રહે છે. જોકે, કોઈ મૃત પ્રાણીને પહેલા કૂતરું ખાય અને પછી એ જ શબ સિંહ ખાય તો સિંહને ચેપ લાગવાની શક્યતા રહે છે.

બૃહદ ગીરમાં સંપર્કનું જોખમ વધારે

નિવૃત્ત વન અધિકારી દુષ્યંત વસાવડાના જણાવ્યા અનુસાર, ગીરના સિંહોમાં હડકવાના બનાવો બને છે, પરંતુ તેમનું પ્રમાણ ખૂબ ઓછું છે. તેમના કહેવા પ્રમાણે, વર્ષે કે બે વર્ષે એકાદ-બે બનાવ નોંધાઈ શકે છે. અમરેલી તરફના બૃહદ ગીર વિસ્તારમાં આવા કેસો ક્યારેક જોવા મળે છે, કારણ કે ત્યાં સિંહો અને કૂતરાં વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કની શક્યતા વધારે છે.

2025ની સિંહ ગણતરીમાં કુલ 891 સિંહ નોંધાયા હતા. તેમાંથી 394 સિંહ રક્ષિત વન વિસ્તારોની બહાર રહેતા હોવાનું નોંધાયું હતું. આ સિંહો ખેતીની જમીન, સરકારી ખરાબા અને પડતર જમીન જેવા મહેસૂલ વિસ્તારોમાં પણ જોવા મળે છે. આવા વિસ્તારોમાં શેરી અને પાલતુ કૂતરાંની હાજરી વધારે હોવાથી વન્યજીવોમાં હડકવાનો ચેપ ફેલાવાનું જોખમ તુલનાત્મક રીતે વધી શકે છે.

વન વિભાગના જણાવ્યા અનુસાર, અરજણસુખની સિંહણના સૅમ્પલના પરીક્ષણ બાદ જ હડકવાના ચેપ અંગે અંતિમ નિષ્કર્ષ પર પહોંચી શકાશે.