અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં ગાડીમાં લાગેલી આગમાં બે યુવકોનાં મોત થયાં છે. મૃતકોની ઓળખ 16 વર્ષના રવિ બધેલ અને 21 વર્ષના નીતિન પચાયા તરીકે થઈ છે. બંને મધ્ય પ્રદેશના વતની હતા અને ઘટના વખતે ગાડીમાં સૂતા હતા. પોલીસે આ કેસમાં વિનોદ ડોડીયાર અને તેના ભાઈ રાજુને પકડ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગાડીના બાકી હપ્તા અને તેના કબજાને લઈને વિવાદ હતો. વિનોદે હપ્તેથી ગાડી ખરીદી હતી, પરંતુ ચુકવણી બાકી રહેતાં ફરિયાદી કમલેશ બધેલે આશરે 10 દિવસ પહેલાં ગાડીનો કબજો લીધો હતો. ગાડીના રૂ. 60 હજાર બાકી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. આ બાબતની અદાવતમાં આરોપીઓએ ગાડી સળગાવી હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં શંકા છે.

રવિ ફરિયાદી કમલેશ બધેલનો પુત્ર હતો, જ્યારે નીતિન તેનો ભત્રીજો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બંને ગાડીમાં સૂતા હતા ત્યારે આગ લાગી હતી. અમરેલીના નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતાએ જણાવ્યું કે વાહનનો કબજો પાછો લેવાયો હોવાથી આરોપીઓએ આ પગલું લીધું હોવાની તપાસ થઈ રહી છે.

બંને યુવકોના મોત અંગે પોલીસ તપાસ ચાલુ છે. ગાડી અને બાકી રકમને લઈને થયેલા વ્યવહારની વિગતો પણ તપાસવામાં આવી રહી છે.