વિરમગામ રૂરલ પોલીસે હાંસલપુર તિરંગા સર્કલ પાસે હાઈવે પર નાકાબંધી કરીને દારૂ ભરેલું પીકઅપ વાહન ઝડપી પાડ્યું હતું. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજસ્થાનના નંબરપ્લેટવાળું પીકઅપ અમદાવાદ તરફથી વિરમગામ તરફ આવતું હોવાની માહિતી મળતાં પોલીસે વાહન રોકીને તપાસ્યું હતું. તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે વાહનચાલક સુજારામ લાદાજી રબારી (ઉંમર 35), રહે. માવલગામ, હોલીચોક, તાલુકો આબુરોડ, જિલ્લો શિરોહી, રાજસ્થાનની અટકાયત કરી હતી. તેની સાથે અન્ય આરોપી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પીઆઈ એસ.એસ. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આપેલી વિગતો મુજબ, પીકઅપમાંથી દારૂની કુલ 6,480 બોટલ મળી હતી, જેનો જથ્થો 1,167 લીટર હતો. દારૂની કિંમત રૂ.11,01,600 દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત રૂ.6,00,000નું પીકઅપ, રૂ.5,000નો મોબાઈલ ફોન અને રૂ.530 રોકડા કબજે કરાયા હતા. દારૂ, વાહન, ફોન અને રોકડ સહિત જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.17,07,130 થાય છે.