અમદાવાદના વટવા વિસ્તારમાં સગીરા સાથે અયોગ્ય સ્પર્શ અને શારીરિક અડપલાંના કેસમાં પોક્સોની વિશેષ અદાલતે આશરે 75 વર્ષીય નટવરલા કામલિયાને ત્રણ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. અદાલતે તેમને ₹20 હજારનો દંડ પણ કર્યો છે અને આ રકમ પીડિતાને વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે. ચુકાદો જજ એ.બી. ભટ્ટે આપ્યો હતો. કેસમાં સરકારી વકીલ કે.જી. જૈને પક્ષ રજૂ કર્યો હતો. સુનાવણી દરમિયાન 16 સાહેદ અને 22 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા.

ફરિયાદ મુજબ, ઘટના સમયે પીડિતા 16 વર્ષની હતી. તેના માતા શહેર બહાર ગયા હતા અને પિતા દુકાને હતા. આરોપી પરિવારને લાંબા સમયથી ઓળખતો હતો અને પીડિતાના નાના ભાઈને શાળાએ લઈ જવા રિક્ષા ચલાવતો હતો. તે દિવસે ભાઈને લેવા ઘરે આવ્યા બાદ, ભાઈ રિક્ષામાં બેઠો ત્યારે આરોપીએ પીડિતા પાસે પાણી માગ્યું. પાણી લેવા તે રસોડામાં ગઈ ત્યારે આરોપીએ તેના હાથને સ્પર્શ કર્યો હતો. પછી નાસ્તો માગવાના બહાને રસોડામાં તેની પાછળ જઈ અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હોવાનો કેસમાં આક્ષેપ હતો. પીડિતા ઘરની બહાર નીકળી ગઈ હતી અને આરોપી ત્યાંથી રિક્ષા લઈને જતો રહ્યો હતો.

ફોનમાં થયેલી વાત અને અદાલતનું મૂલ્યાંકન

ફરિયાદમાં જણાવાયું હતું કે બનાવ પછી પીડિતાએ આરોપીને ફોન કરીને તેને કેમ સ્પર્શ કર્યો તે પૂછ્યું હતું. તેણે આ વાતનું રેકોર્ડિંગ પણ કર્યું હતું. ત્યારબાદ પિતાને જાણ કરવામાં આવી અને 13 ઓગસ્ટ, 2023ના રોજ વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જન્મ નોંધણી રજિસ્ટર અને જન્મ પ્રમાણપત્રમાં પીડિતાની જન્મતારીખ વર્ષ 2007 દર્શાવાઈ હતી; બનાવ વખતે તેની ઉંમર 16 વર્ષની હતી.

કેસમાં ફોનની વાતચીતની FSL દ્વારા તપાસ કરાઈ હતી. અહેવાલમાં રેકોર્ડિંગના અવાજો આરોપી અને પીડિતાના હોવાનું ઓળખાયું હતું. સાક્ષીઓએ પણ ઘટનાને સમર્થન આપ્યું હતું. આરોપીના વકીલે દલીલ કરી હતી કે બાળકને તૈયાર થવામાં મોડું થતાં ઝઘડો થયો અને આરોપીએ તેને તમાચો માર્યો હતો, તેથી ખોટો કેસ કરાયો. અદાલતે આ દલીલ સ્વીકારી નહોતી. ચુકાદામાં નોંધાયું કે માત્ર તમાચો માર્યો હોત તો પીડિતા ફોન પર “કેમ સ્પર્શ કર્યો?” એવો સવાલ ન પૂછત.

અદાલતે એ પણ નોંધ્યું હતું કે આરોપી પરિવારનો ઓળખીતો હોવાથી પાણી પીવાના બહાને સામાન્ય રીતે ઘરમાં પ્રવેશ્યો હતો; ગુનાહિત દાનતથી ઘરમાં ઘૂસ્યો હોવાનું માનવામાં આવ્યું નહોતું. તેમ છતાં, રજૂ કરાયેલા પુરાવા અને સાક્ષીઓના આધારે તેને સજા ફટકારાઈ.