અમદાવાદના થલતેજ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી કાર લઈને ફરતા એક યુવક સામે તોડફોડ અને લોકો સાથે ઘર્ષણની ફરિયાદો બાદ બોડકદેવ પોલીસે તપાસ શરૂ કરી છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, યુવક રસ્તા પર જતા વાહનચાલકોને રોકીને માથાકૂટ કરતો હતો અને સોસાયટીના રહેવાસીઓ સાથે પણ ગેરવર્તન કરતો હતો.

તાજેતરમાં સોસાયટીની બહાર આવેલી AMCની સ્ટ્રીટ લાઇટનો થાંભલો તોડી તેમાં આગ લગાવવાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં કચરાનું ડ્રમ પણ સળગી ગયું હતું. સમગ્ર બનાવના CCTV ફૂટેજ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રહેવાસીઓની પોલીસમાં અરજી

વારંવારની રજૂઆતો છતાં પરિસ્થિતિમાં સુધારો ન થતાં સોસાયટીના સભ્યોએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ હોવાને કારણે તેઓ યુવકને સીધો રોકી શકતા ન હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી.

અરજીના આધારે પોલીસની ટીમ યુવકના ઘરે પહોંચી હતી. પૂછપરછ દરમિયાન પરિવારજનોએ તબીબી દસ્તાવેજો રજૂ કર્યા હતા અને યુવકની માનસિક સારવાર ચાલી રહી હોવાની માહિતી આપી હતી. પોલીસે દવાઓ સંબંધિત પુરાવા પણ મેળવ્યા હોવાનું જણાવાયું છે.

હાલ બોડકદેવ પોલીસે પરિવારજનોને સમજાવ્યા છે અને રહેવાસીઓની અરજીના આધારે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જાહેર સંપત્તિને નુકસાન અને અન્ય ફરિયાદો અંગેની કાર્યવાહી અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.