અમદાવાદના ઓઢવ ઓવરબ્રિજ પર આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી ₹34 લાખ લૂંટવાના કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝોન-8 એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચે હિમાચલ પ્રદેશ પોલીસની મદદથી વિશ્વજીત ગોસ્વામી, વિકાસ ભારદ્વાજ અને અમિત શેમડિયા ઉર્ફે ગોહિલને પકડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, તેમની પાસેથી નવી કાર, iPhone અને રોકડ સહિત ₹28 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે. આ કેસમાં અગાઉ કાવતરું ઘડવાના આરોપસર પ્રીતમ ગોહિલની ધરપકડ થઈ હતી.
ઓઢવ બ્રિજ પરથી અપહરણ કરી રોકડ લૂંટી
ઘટના 21 ઑક્ટોબરની રાત્રે બની હતી. બાપુનગરની એન.આર. આંગડિયા પેઢીના કર્મચારી કેતન પરીખ બેંકમાંથી ₹34 લાખ લઈને ઓઢવ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. કારમાં આવેલા શખસોએ પોતે GST અધિકારી હોવાનું કહી તેમને કારમાં બેસાડ્યા અને કઠવાડા તરફ લઈ ગયા. ત્યાં તેમની પાસેથી રોકડ લૂંટીને આરોપીઓ ફરાર થયા હતા. ઓઢવ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ તપાસમાં પ્રીતમ ગોહિલનું નામ સામે આવ્યું હતું.
પોલીસ તપાસ મુજબ, પ્રીતમ અગાઉ આંગડિયા પેઢીમાં નોકરી કરતો હતો. નવી પેઢી શરૂ થયા પછી ગ્રાહકો તૂટવા અંગે થયેલા વિવાદને પગલે તેણે લૂંટનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ છે. પ્રીતમે પરિચિત વિશ્વજીત ગોસ્વામીને તૈયાર કર્યો હતો; વિશ્વજીતે ડ્રાઇવર વિકાસ ભારદ્વાજને સાથે રાખીને લૂંટને અંજામ આપ્યો હોવાનું તપાસમાં જણાવાયું છે.
હિમાચલ પહોંચતાં પહેલાં અનેક શહેરોમાં ફર્યા
લૂંટ પછી આરોપીઓ દિલ્હી, લખનઉ, ઇટાવા, ભીંડ, મોરેના અને ગ્વાલિયા ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, પ્રીતમનો ભાઈ અમિત શેમડિયા તેમને હિમાચલ તરફ જવામાં મદદરૂપ થયો હતો. હિમાચલમાં આરોપીઓએ સિમકાર્ડ અને ફોન બદલ્યા હતા અને લેહ તરફ જઈ છુપાઈ રહેવાની તૈયારીમાં હતા. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને તેમની ભાળ મળી; હિમાચલ પોલીસની મદદથી બેરિકેડિંગ ગોઠવી ત્રણેયને પકડવામાં આવ્યા.
તપાસમાં લૂંટની રકમમાંથી ગ્વાલિયરમાં ₹10 લાખની બ્રેઝા ખરીદાઈ હોવાનું સામે આવ્યું છે. કાર પ્રીતમ અને અમિતના પિતાના નામે લેવાઈ હતી. આરોપીઓએ ₹1.50 લાખનો iPhone 17 Pro ખરીદ્યો હતો અને નાગપુરમાં રહેતા એક મિત્રના ખાતામાં ₹5 લાખ જમા કરાવ્યા હતા; પોલીસે આ ખાતું ફ્રીઝ કર્યું છે. પ્રીતમના પિતાને ₹2.56 લાખ આપ્યાનું અને વિકાસને ₹30,000 આપ્યા બાદ તેમાંથી ₹20,000 પાછા લીધાનું પણ તપાસમાં જણાવાયું છે.
પોલીસના જણાવ્યા મુજબ, વિશ્વજીત સામે મારામારી સહિતના બે-ત્રણ ગુના નોંધાયેલા છે. વિકાસે શરૂઆતમાં કાવતરાની જાણ ન હોવાનો દાવો કર્યો છે. અમિત સામે અગાઉ ગુનાહિત ઇતિહાસ ન હોવાનું જણાવાયું છે. કેસમાં તેમની ભૂમિકા અને લૂંટની બાકીની રકમ અંગે તપાસ ચાલુ છે.
