અમદાવાદના ખોખરા વિસ્તારમાં ભાલકિયા મિલ પાસે આવેલા AMTS બસ સ્ટેન્ડ નજીક ખોદકામ બાદ મોટો ખાડો ખુલ્લો રહી ગયો હોવાની ફરિયાદ સામે આવી છે. બસ સ્ટેન્ડની નજીક જ રહેલા આ ખાડાને કારણે મુસાફરો અને રાહદારીઓમાં અકસ્માતનો ભય છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખોખરા વોર્ડમાં વિવિધ કામોના નામે ફૂટપાથ પર અનેક સ્થળે ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ કામ પૂર્ણ થયા બાદ રસ્તા અને ફૂટપાથને અગાઉની સ્થિતિમાં લાવવામાં આવ્યા નથી. પરિણામે રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે.

ખાસ કરીને સિનિયર સિટિઝન, મહિલાઓ અને બાળકો માટે આ માર્ગ જોખમી બન્યો છે. બસ પકડવા ઉતાવળમાં જતા મુસાફરો ખાડામાં પડી શકે તેવી સ્થિતિ છે. રાત્રિના સમયે અપૂરતી લાઇટિંગને કારણે ખાડો સ્પષ્ટ દેખાતો ન હોવાથી જોખમ વધુ વધી જાય છે.

સ્થાનિકોએ તંત્ર પાસે ખાડો તાત્કાલિક પૂરવાની, ફૂટપાથ સરખી કરવાની અને સ્થળ પર પૂરતી લાઇટિંગ તથા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.