ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર ઇલા આરબ મહેતાનું 6 ઑક્ટોબર, 2026ના રોજ નિધન થયું. તેમની નવલકથાઓ અને વાર્તાઓમાં ઘર-પરિવારની મર્યાદાઓથી માંડીને નોકરીના સ્થળે થતી હેરાનગતિ સુધીના સ્ત્રીઓના અનુભવોને સ્થાન મળ્યું. સ્ત્રીને માત્ર આદર્શ કે વિલન તરીકે નહીં, પોતાની ઇચ્છા, પીડા અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી વ્યક્તિ તરીકે રજૂ કરવું તેમના સર્જનનું મહત્ત્વનું પાસું રહ્યું.

ઇલા મહેતાએ 14થી વધુ નવલકથાઓ અને છ વાર્તાસંગ્રહો આપ્યા. તેમના વાર્તાસંગ્રહોમાં ‘એક સિગારેટ, એક ધૂપસળી’, ‘વિયેના વુડ્સ’, ‘ભાગ્યરેખા’, ‘બળવો, બળવી, બળવું’, ‘યોમ કિપુર’ અને ‘કાળી પરજ’નો સમાવેશ થાય છે. આ સંગ્રહોમાં સોથી વધુ ટૂંકી વાર્તાઓ છે. તેમની પ્રથમ નવલકથા ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’ 1969માં પ્રકાશિત થઈ હતી. ત્યાર બાદ ‘થીજેલો આકાર’, ‘રાધા’, ‘એક હતા દીવાન બહાદુર’, ‘આવતી કાલનો સૂરજ’, ‘અને મૃત્યુ’ અને ‘બત્રીસ પૂતળીની વેદના’ સહિતની કૃતિઓ આવી.

‘બત્રીસ પૂતળીની વેદના’માં પાંચ સ્ત્રીઓની કહાણી

1982માં પ્રકાશિત ‘બત્રીસ પૂતળીની વેદના’માં અનુરાધા, છાયા, રેખા, વિભાવરી અને વિનોદિનીનાં જીવન દ્વારા સ્ત્રીની વેદના અને પોતાનું સ્થાન શોધવાના સંઘર્ષને રજૂ કરવામાં આવ્યો છે. નવલકથામાં પાંચેય સ્ત્રીઓ ‘આર્યનારી હિતવર્ધક મંડળ’માં અનુરાધાએ લખેલું નાટક ભજવવા મંચ પર આવે છે. કથાના અંતે તેઓ નાટકના નક્કી કરેલા સંવાદો છોડીને પોતાના જીવનની પીડા વ્યક્ત કરે છે. અનુરાધા સ્ક્રિપ્ટનાં પાનાં ફાડીને કહે છે: ‘ન દેવી, ન રાક્ષસી, અમને માત્ર સ્ત્રી રહેવા દો...’

નવલકથામાં છાયાની નોકરીમાં થતી પ્રગતિથી અસ્વસ્થ પતિ તેના ચારિત્ર્ય પર આક્ષેપ કરે છે. અભિનેત્રી વિભાવરીને ફિલ્મમાં કામ મેળવવા પતિ મયંક નિર્માતાને શરણે જવા કહે છે; તે ના પાડે ત્યારે મયંક તેને છોડે છે. રેખાને ધનિક પતિ પોતાના દેખાડા માટે પરણે છે અને તેને માંદી માતાને મળવા જવાની પણ છૂટ આપતો નથી. સંતાન ન થવાને કારણે વિનોદિનીને પરિવાર અને સમાજનાં મહેણાં સાંભળવા પડે છે. આ અલગ અનુભવોને એક મંચ પર લાવીને નવલકથા સ્ત્રીઓના જીવન પરના સામાજિક નિયંત્રણો સામે સવાલ કરે છે.

રોજિંદા જીવનમાં શોષણ અને પ્રતિકાર

મહેતાની વાર્તાઓમાં ઘર તૂટવાની પીડા, વેશ્યાજીવન અને લગ્ન પછીનું જીવન જેવા વિષયો સાથે કામ કરતી સ્ત્રીઓની મુશ્કેલીઓ પણ આવે છે. ‘શમિક, તું શું કહેશે?’ વાર્તામાં યોગિનીને નવા બૉસની હલકી મજાક અને અયોગ્ય વર્તનનો સામનો કરવો પડે છે. વાર્તાના અંતે તે ઊંચી એડીનાં નવાં ચંપલ ખરીદવાની વાત કરે છે. વિવેચક શરીફા વીજળીવાળાના લેખમાં આ પ્રસંગને લાંબા સમયથી સહન કરતી સ્ત્રીના પોતાના ઢબે પ્રતિકાર અને સ્વનિર્ભરતા તરફના સંકેત તરીકે વાંચવામાં આવ્યો છે. ‘વિસ્તાર’ની નાયિકા લગ્ન તૂટે એટલે જીવન પૂરું થઈ જાય છે એવી માન્યતા સ્વીકારતી નથી.

‘રાધા’માં કર્ણની માતા રાધાનું પાત્ર કેન્દ્રમાં છે. ‘ધ ન્યૂ લાઇફ’ વિદેશની ધરતી પર આત્મનિર્ભર બનતી ગુજરાતી સ્ત્રીની વાત કરે છે. ‘ઝીલી મેં કૂંપળ હથેળીમાં’માં પુત્ર માટેની ઝંખનાને કારણે દીકરીઓને ગર્ભમાં જ મારી નાખતા સમાજનું ચિત્ર છે. ‘પાંચ પગલાં પૃથ્વી પર’માં પણ સ્ત્રીની સ્વતંત્રતાનો પ્રશ્ન ઉઠે છે.

ઇલા મહેતા નિવૃત્તિ સુધી કૉલેજમાં ગુજરાતી વિષય ભણાવતાં રહ્યાં. 1965માં પિતા ગુણવંતરાય આચાર્યના આકસ્મિક અવસાન બાદ તેમની અધૂરી ધારાવાહિક નવલકથા આગળ લખવાનો નિર્ણય તેમના સર્જનજીવનનો વળાંક બન્યો. તેમની બહેન વર્ષા અડાલજાએ ‘બત્રીસ પૂતળીની વેદના’ પરથી અમદાવાદ દૂરદર્શન માટે ‘ઉંબરને પેલે પાર’ ટીવી શ્રેણી લખી હતી.