રેલવે ટ્રેક ઓળંગતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય ત્યારે માત્ર મૃતકે પાટા ઓળંગ્યા હતા એટલા કારણસર વળતર નકારી શકાય નહીં, એવો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલનો વળતર નકારતો આદેશ રદ કરીને મૃતકના આશ્રિતોને 9 ટકા વ્યાજ સાથે રૂ. 8 લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે. આ અપીલ રાજબહાદુર અને અન્યે યુનિયન ઓફ ઈન્ડિયા સામે કરી હતી.
કેસમાં મૃતક યુવક 18 જુલાઈ, 2023ના રોજ કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ આવતી હાવડા-ગાંધીધામ ગરબા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં માન્ય ટિકિટ સાથે મુસાફરી કરતો હતો. અહેવાલમાં જણાવાયેલી કેસની હકીકત મુજબ, જનરલ કોચમાં ભારે ભીડ હતી અને ટ્રેનને અચાનક ઝટકો લાગતાં યુવક બહાર પડી ગયો. ટ્રેન સાથે ઘસડાવાને કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
ટ્રિબ્યુનલનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો
યુવક પાટાની બીજી તરફ જવાનો પ્રયાસ કરતો હતો ત્યારે અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવી ગયો અને તેનું સ્થળ પર જ મૃત્યુ થયું. પરિવારજનોએ રૂ. 8 લાખના વળતર માટે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. ટ્રિબ્યુનલે 7 નવેમ્બર, 2024ના રોજ અરજી ફગાવી હતી. ત્યારબાદ પરિવારજનોએ હાઈકોર્ટમાં અપીલ કરી.
હાઈકોર્ટે ટ્રિબ્યુનલનો નિર્ણય ગેરકાયદે અને રેલવે અકસ્માત વળતરની જોગવાઈઓને અનુરૂપ નહીં હોવાનું ઠરાવ્યો. ચુકાદા પ્રમાણે, ટ્રેક ઓળંગવાની બેદરકારીનો ઉલ્લેખ કરીને રેલવે જવાબદારીમાંથી છટકી શકે નહીં; આવી ઘટનાને માત્ર મુસાફરની બેદરકારી કે પોતે પહોંચાડેલી ઈજા ગણાવીને વળતર નકારવું યોગ્ય નથી.
ચુકાદામાં વ્યસ્ત સ્ટેશનો અને યાર્ડમાં મુસાફરોની અવરજવરનો પણ ઉલ્લેખ થયો. ફૂટ ઓવરબ્રિજ દૂર હોય, દુર્ગમ હોય કે ભીડથી ભરેલો હોય ત્યાં લોકો પ્લેટફોર્મ સુધી પહોંચવા અથવા બહાર નીકળવા પાટા ઓળંગતા હોવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ, એમ હાઈકોર્ટે જણાવ્યું. આ કેસમાં અદાલતે ટ્રિબ્યુનલનો વળતર નકારતો હુકમ રદ કરી આશ્રિતોને રૂ. 8 લાખ અને તેના પર 9 ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો.
