અમદાવાદ જિલ્લાના ચાંગોદર નજીક નવાપુરા ગામની સીમમાં આવેલા ઇન્ગ્રામ માઇક્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના વેરહાઉસમાં થયેલી ચોરીના કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી રૂ. 89,22,989ની કિંમતનો ચોરીનો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી અર્ટિગા કાર કબજે કરવામાં આવી છે.
ચોરી 21 ઓક્ટોબરની રાત્રે થઈ હતી. વેરહાઉસમાંથી આઇફોન, લેપટોપ, એપલ વોચ, આઈપેડ અને અન્ય ઇલેક્ટ્રોનિક સામાન ચોરાયો હતો. વેરહાઉસિંગનું કામ કરતી ઇન્ગ્રામ માઇક્રો કંપની એમેઝોન માટે પણ સેવાઓ આપે છે. ચોરીના માલની કિંમત અંદાજે રૂ. 1 કરોડ હોવાનું જણાવાયું હતું.
250થી વધુ CCTV ફૂટેજની તપાસ
અમદાવાદ ગ્રામ્ય LCBએ કેસની તપાસ માટે વિશેષ ટીમો બનાવી હતી. પોલીસે વેરહાઉસની આસપાસના વિસ્તાર અને આવવા-જવાના રસ્તાઓનાં 250થી વધુ CCTV ફૂટેજ તપાસ્યાં હતાં. વેરહાઉસના કર્મચારીઓ, સુરક્ષા ગાર્ડ અને શ્રમિકો સહિત 250થી વધુ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીના આધારે તપાસ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચી હતી.
પોલીસની તપાસ મુજબ, આરોપીઓએ Google પર વેરહાઉસનું સ્થાન શોધ્યું હતું અને 20 ઓક્ટોબરે સ્થળની રેકી કરી હતી. ત્યારબાદ તેઓ પાછળના ખેતર તરફથી આવ્યા હતા. લીમડાના ઝાડ પર ચઢીને વેરહાઉસની દીવાલ ઉપરનું પતરું ખોલી અંદર પ્રવેશ્યા હોવાનો પોલીસનો દાવો છે.
હાઇવે પર વોચ ગોઠવી ધરપકડ
ચોરીનો સામાન અર્ટિગા કારમાં ભરી આરોપીઓ રાજસ્થાન તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળતાં ખેડા-અમદાવાદ હાઇવે પર વોચ ગોઠવાઈ હતી. ત્યાંથી પાંચેયને કાર અને મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પકડાયેલા લોકોમાં માયા ઉર્ફે સંદીપ જયપ્રકાશ પટેલ, મોહમદ સમીમ, સુરેન્દ્રકુમાર પટેલ, આકાશ ચૌહાણ અને કમલેશગીરી ગોસ્વામીનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ, કબજે કરાયેલા સામાનમાં 36 iPhone 17, 29 iPhone 16, 32 એપલ વોચ, 24 લેપટોપ, 19 એપલ કીબોર્ડ અને 2 iPad Proનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ મુખ્ય આરોપી સંદીપ પટેલના લગ્ન માટે નાણાં ભેગાં કરવા ચોરીનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હોવાનો પોલીસનો દાવો છે. ચોરેલો સામાન નેપાળમાં વેચવાની યોજના હોવાની પણ તપાસમાં વાત સામે આવી છે.
સંદીપ પટેલ અને સુરેન્દ્રકુમાર પટેલ આંધ્રપ્રદેશમાં ઇન્ગ્રામ માઇક્રોના વેરહાઉસમાંથી અંદાજે અઢી કરોડ રૂપિયાના એપલ ફોન અને એસેસરીઝની ચોરીના કેસમાં સંડોવાયેલા હોવાનું પોલીસનું કહેવું છે. પાંચેય આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી માટે ચાંગોદર પોલીસને સોંપવામાં આવ્યા છે. આ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની તપાસ ચાલુ છે.
