ગુજરાત મૂળના ફ્લાયદુબઈ પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરને સાઉદી અરેબિયામાં સર્જરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સારવાર પૂર્ણ થયા પછી તેઓ ગુરુવારે દુબઈ પહોંચ્યા હતા, જ્યાં પરિવારજનો તેમની મુલાકાત માટે પહોંચ્યા હતા. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.
કેપ્ટન મચ્છર ફ્લાઇટ FZ1073માં દુબઈથી તેલ અવીવ જઈ રહ્યા હતા ત્યારે કોકપિટમાં હુમલાનો ભોગ બન્યા હતા. ફ્લાઇટને ત્યારબાદ સાઉદી અરેબિયાના તબૂકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ઉપલબ્ધ અહેવાલો મુજબ, ગંભીર ઇજાઓ છતાં તેમણે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી, જેના કારણે ક્રૂ સભ્યો અને મુસાફરો હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી શક્યા.
દુબઈમાં પરિવાર સાથે મુલાકાત
સ્મિતના માતા-પિતા બુધવારે સાંજે મુંબઈથી અબુધાબી જવા રવાના થયા હતા અને ત્યારબાદ દુબઈ પહોંચ્યા હતા. તેમના કઝિન ભાવિક, જે FlyDubaiમાં પાઇલટ છે, પણ દુબઈ પહોંચ્યા હતા. સ્મિત દુબઈમાં પત્ની સોનલ, સાત વર્ષની પુત્રી દિવ્યા અને 18 મહિનાના પુત્ર ક્રિશય સાથે રહે છે. પરિવાર લગભગ પાંચ વર્ષ પહેલાં સ્મિતની પાઇલટ તરીકેની નોકરીને કારણે દુબઈ ગયો હતો.
મુંબઈમાં દાયકાઓથી વસવાટ કરતો મચ્છર પરિવાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો છે. સ્મિતના દાદા જયંતિભાઈ વર્ષો પહેલાં મુંબઈ સ્થળાંતરિત થયા હતા. તેમના પત્ની સોનલ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના છે અને તેમનો ઉછેર મુંબઈમાં થયો છે.
પરિવાર અને ગુજરાત સાથેનો સંબંધ
પરિવારના જણાવ્યા મુજબ, સ્મિતે શરૂઆતમાં મુંબઈની Samira’s Instituteમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. પરિવારનો ટેક્સટાઇલ વ્યવસાય હોવાથી તેમણે આ ક્ષેત્ર પસંદ કર્યું હતું. બાદમાં તેમણે ન્યૂઝીલેન્ડમાં પાઇલટ તરીકેની તાલીમ લીધી. તેમના પિતા હવે ટેક્સટાઇલ વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે.
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ સ્મિતની બહાદુરીને બિરદાવતો વીડિયો જાહેર કર્યો છે. તેમણે સ્મિતને સાવરકુંડલાના ‘જમાઈ’ તરીકે ઓળખાવી ગૌરવ વ્યક્ત કર્યું હતું.
ગુજરાત સરકાર આપશે રાજ્ય સન્માન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્મિત મચ્છરને તેમની બહાદુરી અને માનવતાભર્યા કાર્ય બદલ ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્મિતની હિંમતથી ગુજરાત અને દેશનું નામ વિશ્વભરમાં ઉજળું થયું છે.
ફ્લાઇટની ઘટનામાં સ્મિતે મુસાફરોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની પ્રશંસા કરી છે. ઘટનાની તપાસ સંબંધિત દેશોની સત્તાવાળાઓ દ્વારા ચાલુ છે, જ્યારે સ્મિત હવે દુબઈમાં પરિવારની નજીક રહીને સ્વસ્થ થઈ રહ્યા છે.
